ભરૂચ,
ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની એક કંપનીને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વેલિઅન્ટ ઓર્ગેનિક્સ નામની કંપનીને તેની કેટલીક અનિયમિતતા બાબતે જીપીસીબી અંકલેશ્વર દ્વારા ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી.આ બાબતે જીપીસીબીના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતને સમર્થન આપ્યું હતું.આ નોટિસ કયા સંદર્ભે આપવામાં આવી એમ પુછતા તેમણે જણાવ્યું કે કંપનીમાં કેટલીક અનિયમિતતાઓ જોવા મળી હતી. વધુમાં જણાવાયા મુજબ કંપનીમાં કેમિકલયુક્ત પાણી ભરાયેલ જણાયું હતું.જોકે આ પાણી કંપની દ્વારા બહાર છોડાયું હતુંકે કેમ તેમ પુછતા જણાવાયું કે કંપનીમાં કેમિકલયુક્ત પાણીના ખાબોચિયા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી વરસાદી કાંસોમાં જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે.જોકે આવી ઘટનાઓમાં જુજ કિસ્સાઓમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જ્યારે આવી કોઈ કાર્યવાહી થાય ત્યારે મિડીયાને સત્તાવાર માહિતીથી વંચિત રાખવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.ત્યારે હાલમાં ઝઘડિયાની વેલિઅન્ટ કંપનીને અપાયેલ ક્લોઝર નોટિસ બાદ આગળ તેનું કેવું પરિણામ આવે છે તે જોવું રહ્યુ !