(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૪ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ આગામી તા.૦૭/૦૫/૨૪ના રોજ મતદાન યોજાનાર છે.નર્મદા જિલ્લાનાં તમામ મતદારો આ લોકશાહી પર્વ મતદાનમાં ભાગ લઇ કોઇપણ મતદાનથી વંચિત ન રહે અને જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાલુકે-તાલુકે હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વિવિધ લોક જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી નર્મદા દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓના ઊંડાણના ગામોમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારે તાજેતરમાં ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ચુનાવ પાઠશાળા હેઠળ દેડિયાપાડા અને સાગબારાની વિવિધ શાળામાં સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટરોલ પાર્ટીશિપેશન સ્વિપ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ અને નિબંધ સ્પર્ધા,રેલી સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વીપ કાર્યક્રમનાં ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા આપણે સૌ પુખ્તવયના નવાવોટરો યુવાઓ અને નાગરિકો મતદાન કરીને લોકશાહી પર્વને ગર્વભેર ઉજવીએ, મત આપો એક-એક વોટ કિંમતી અને પવિત્ર છે.લોકશાહીને મજબુત કરીએ, દેશના વિકાસ માટે મતદાન આવશ્યક અને અનિવાર્ય છે.મતદાર લોકશાહીનો રાજા છે જેવા અનેક પોસ્ટરો બનાવી રેલી દ્વારા જાગૃતિના સંદેશ આપવામા આવ્યા હતા.સાથે વકતૃત્વ અને નિબંધ સ્પર્ધા થકી વિવિધ ચૂંટણીલક્ષી વિષયો પર સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડામાં ચુનાવ પાઠશાળા હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું
- સ્વીપ મતદાન જાગૃતિ અંતર્ગત શાળાઓમાં વકતૃત્વ, નિબંધ સ્પર્ધા અને રેલી સહિતના કાર્યક્રમો યોજાયા