ભરૂચ,
ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૩,૪ અને ૫ માં રોડ,રસ્તા,પેવર બ્લોક સહિતના બે કરોડના ખર્ચે ૪૭ જેટલા અલગ અલગ વિકાસના કામોના ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્યના હસ્તે કરાઈ હતી.જેમાં પાલિકા પ્રમુખ સહિત નગર સેવકો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થાય અને આચારસંહિતા લાગે તેવી સંભાવનાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિઓના કાર્યક્રમો પુરજોશમાં કરાઈ રહ્યા છે. હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભરૂચના ભોલાવ ખાતેથી ૨૨૭ કરોડના ખર્ચે ૩૩ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજી હતી.ત્યારે ભરૂચ નગરપાલિકા પણ તેમના વિસ્તારમાં બાકી રહેતા અને પુરા થઈ ગયેલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિઓ યોજી રહ્યા છે.ભરૂચ નગરપાલિકાએ લોક માંગને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર ૩,૪ અને ૫ માં પેવર બ્લોક,સીસી રોડ,આરસીસી રોડ,ડ્રેનેજના કામો મળીને કુલ બે કરોડના ખર્ચે ૪૭ જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા હતા.જેની ખાતમુહૂર્ત વિધિ વોર્ડ નંબર ૩ માં અંબિકાનગર,વોર્ડ નંબર ૪ માં લીંકરોડ પર આવેલી પંચવટી સોસાયટી અને વોર્ડ નંબર ૫ માં નીનાબેન યાદવના ઘર પાસે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે યોજાઈ હતી.
આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ,પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ,પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વોર્ડના ચુંટાયેલા સભ્યો અને પદાધિકારિયો અને સ્થાનિકો હાજર રહયા હતા.જ્યારે આ ઉપરાંત જે.બી.મોદી પાર્કથી શક્તિનાથ સુધીના માર્ગનું રી સરફેસિંગ અને રી કાર્પેટિંગ ના કામનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.