ભરૂચ,
કાનમ પ્રદેશ દેશી કપાસના ઉત્પાદન માટે જાણીતો છે.કારણકે આપણાં પ્રદેશની જમીન અને વાતાવરણ દેશી કપાસ માટે ખૂબ અનુકૂળ છે. જેને અનુલક્ષીને જ ભરૂચના મકતમપુર સ્થિત પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ખાતે દેશી કપાસની રાષ્ટ્રીય કક્ષાની 300 જેટલી જાતોના જર્મપ્લાજમનું ચાલુ સાલે વાવેતર કરવામાં આવેલ છે.જેના નિરીક્ષણ માટે,કપાસ સંશોધન ક્ષેત્રે આગવી નામના ધરાવતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ICAR-CICR નાગપુરના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ની મુલાકાત લીધી હતી.
વૈજ્ઞાનિકોની ટીમના વડા ડૉ.વિનિતા ગોટમારેએ જણાવ્યુ હતુ કે દેશી કપાસની આ 300 જેટલી અલભ્ય જાતો છે. જે દેશના જુદા જુદા સ્થળોએથી મેળવવામાં આવેલ છે.જેની લાંબા સમય સુધી જાળવણી અને સંવર્ધન કરવું ખુબજ અગત્યનું છે કારણકે દેશ માંથી દેશી કપાસની જાતો લુપ્ત થતી જાય છે. ત્યારે આપણી પાસે રહેલી આ વૈવિધ્યસભર જાતોની જાળવણી અને સંશોધનમાં ઉપયોગ કરી, દેશી કપાસની વધુ ઉત્પાદન આપતી નવીનતમ જાતો બનાવી, ખેડૂતોની આવક વધારી શકાય તેમ છે.
આ પ્રસંગે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ.કે.વી.વાડોદરીયા દ્વારા ટીમના સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ટીમ દ્વારા દરેક જાતોના છોડનું જાત નિરીક્ષણ કરી આ જાતોમાં રહેલ આનુવંષિક ગુણધર્મોની તપાસ કરી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.અંતમાં કપાસ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ.મિનલ પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભરૂચના પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ICAR-CICR નાગપુરના વૈજ્ઞાનિકોની મુલાકાત
- દેશી કપાસની વૈવિધ્યસભર જાતોના જર્મપ્લાજમનું સંશોધન ક્ષેત્રે આગવું મહત્વ : ડૉ.વિનિતા ગોટમારે