(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિનોદચંદ્ર વસાવાએ આજરોજ ઉપસરપંચના હોદ્દા પરથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું હતું.
મળતી વિગતો મુજબ ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ ઉપ સરપંચ વિનોદચંદ્ર વસાવા પર વિકાસના કામો અટકાવવાનો આક્ષેપ કરીને અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી.ત્યાર બાદ ગ્રામ પંચાયતના સભ્યોએ રજુ કરેલ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલા ઉપ સરપંચ વિનોદચંદ્ર વસાવાએ આજરોજ સ્વેચ્છાએ ઉપ સરપંચના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.તેમણે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને લેખિતમાં આપેલ રાજીનામાના પત્રમાં પંચાયતના સભ્યો દ્વારા રજુ કરાયેલ અવિશ્વાસની દરખાસ્તને ખોટી અને ગેરકાયદેસર ગણાવી હતી.તેમજ તેઓ એક શિક્ષિત ઉપ સરપંચ હોવાનું કેટલાક વિઘ્ન સંતોષીઓને દેખાતું નથી એમ વધુમાં જણાવ્યું હતું.ઉપરાંત ગત તા.૩૦-૧૧-૨૦૨૩ ના મળેલ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં કેટલીક કાચી બનનારી કેબિનોની પંચાયતના ચોપડે આકારણી નહિ થતાં તેને લઈને આ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હોવાનું વધુમાં જણાવ્યું હતું. ઉપ સરંપચ તરીકે રાજીનામું આપતા તેમણે જણાવ્યું હતું કે ગામમાં ભાઈચારો અને સંપ જળવાય રહે તે માટે તેમણે રાજીનામું આપ્યું છે અને તેમનો મકસદ ફક્ત સેવા કરવાનો હોવાનું જણાવી વધુમાં ઉમેર્યુ હતું કે તેઓ ગામની સેવા કરવાનું ચાલુ રાખશે અને તેને માટે તેમને કોઈ હોદ્દાની જરૂર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલના ગ્રામ પંચાયત ના સરપંચ અને રાજીનામું આપનાર ઉપસરપંચ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક સાથે પેનલ બનાવી હરીફ પેનલને માત આપી હતી.ત્યારે ચૂંટણીના ટુંકા ગાળામાં જ સરપંચ ઉપ સરપંચ વચ્ચેનો વિખવાદ સામે આવ્યો હોય તેવુ ઉપ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાના એક દિવસ અગાઉ જ ઉપ સરપંચ વિનોદ વસાવા એ સ્વેચ્છાપૂર્વક રાજીનામું આપ્યું છે.સરપંચ ઉપ સરપંચના વિખવાદનો ભોગ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત ની જનતા બનવાની છે જે નકારી શકાય તેમ નથી.