(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપલા નગર પાલિકા પાસે હાલ ભાજપાનું શાશન છે.ખાસ કરીને વર્ષોથી નગરને પાણીનો પ્રશ્ન સતાવતો રહ્યો છે.ખાસ કરીને નગરના બોરફેલ જાય છે,કરજણ નદી માંથી ફિલ્ટર કરીને શુદ્ધ પીવાનું પાણી આપવા માટે બનાવેલી કરોડોની યોજના પણ ફેલ ગઈ છે.હવે ઉનાળો નજીક આવતા રાજપીપલા નગરમાં ફરી એક વાર પાણીની બૂમો ઉઠવા પામી છે.ખાસ કરીને રાજા રજવાડા વખતની પીવાના પાણીની પાઈપ લાઈનો કટાઈ ગઈ હોવાથી વારંવાર પાણી લીકેજ થવાથી છેલ્લા ૧૫ વર્ષથી પાદરીયાની વાડી પાસેના વિસ્તારના લોકોના ઘરોમાં પાણી આવતું ન હોવાથી મહિલાઓ રણચંડી બની નગરપાલિકા કચેરીએ મોરચો માંડી હલ્લાબોલ કરી માટલા ફોડયા હતા.
પાદરીયાની વાડી પાસેના વિસ્તાર માં છેલ્લા ૧૫ વર્ષથી પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હાલતુ નથી.હાલ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે.વાત આશાપુરી મંદિર પાસે આવેલ પાદરિયાની વાડી પાસેના વિસ્તારની છે.અનેક ઘરોમાં પીવાનું પાણી ન આવતી હોવાની બૂમો ઉઠવા પામી છે.છેલ્લા ૧૫ વર્ષથી આ કાયમી સમસ્યા ન ઉકેલી શકનાર રાજપીપલા નગર પાલિકાના સત્તાધીશોને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ ન હોય એમ ઉપર છલ્લી કામગીરી કરી પ્રજાને મૂર્ખ બનાવતા પાલિકા સત્તાધીશો નું સૂચક મૌન પ્રજાને આકળાવી રહ્યુ છે.
આ વખતે ફરી પાણીના આવતા ત્રસ્ત મહિલાએ અને રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને પાલિકા કચેરીએ જઈ માટલા ફોડી સુત્રોચાર કરી દેખાવો કર્યા હતા અને ચીફ ઓફિસરની કચેરીએ જઈ હલ્લાબોલ કરી ચીફ ઓફિસર રાહુલ ધોડિયાનો રીતસરનો ઉધડો લીધો હતો.
આ અંગેર રહીશ ભામીનીબેન રામીએ જણાવ્યું હતું કે અમારે પાણીની એટલી ગંભીર સમસ્યા છે કે પાણીનો નળ પલળતો નથી.નળમાં પાણી આવતું જ નથી. છેલ્લા ૫-૭ વર્ષથી નગરપાલિકા રોડ બનાવવામાં પડી છે જેમાં ખત્રી વકીલના ઘર પાસેથી નીચે જયંતીભાઈના ઘર સુધીની પાઈપ લાઈનો કટાયેલી અને તૂટેલી છે.એટલે પાણી લીકેજ થાય છે જયારે ફરિયાદ કરે ત્યારે પાલિકા કર્મચારીઓ તૂટેલી પાઈપોને પ્લાસ્ટિકની કોથળીઓ ઉપર રબર બાંધીને જતા રહે છે.વર્ષોથી આ પ્રશ્ન હલ થતો નથી અને જૂની પાઈપો બદલતા નથી જેથી પાણી નળમાં આવતું નથી નગરપાલિકા માં રજુઆત કરતા એન્જીયરને તપાસ માટે મોકલી આપ્યા,એન્જીનીયર આવી ને ગયા, ફળીયામાં ખાડો ખોદીને ગયા છે હજી સુધી આ પાઈપ લાઈન રીપેર કરવા કોઈ ફરક્યું નથી.
કમલેશ ચૌહાણે જણાવ્યું હતું કે ૧૫ વર્ષથી અમારી પાણીની સમસ્યા છે આ લોકોનેલેખિત મૌખિક રજુઆત કરીને અમે થાકી ગયા છીએ . અમારા વિસ્તારમાં જે બોર કર્યા છેતે બબ્બે વાર બન્ને બોર ફેલ ગયા છે.અમે સમયસર અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમને પાણી નથી આપતા.પાઇ
ઈપો કહોવાઈ ગઈ છે અંદર ફુવારા ઉડે છે. જૂની પાઈપો કાઢી નવી પાઈપો નાંખવાની જરૂર છે અને કચરો પણ ગટરનો અમારા ઘરમાં આવે છે. નગરપાલિકા ના કર્મચારી કચરો લેવા પણ આવતા નથી.
આ અંગે કોર્પોરેટર ઈસ્માઈલ મન્સૂરીએ જણાવ્યું હતું મને ગઈ કાલે જ જાણ થઈ છે મેં આ પ્રશ્ન હલ કરવા નગરપાલિકા પ્રમુખને જાણ કરી છે.પાલિકા સદસ્યે કબૂલાત કરતા જણાવ્યું હતું કે પાઈપ લાઈનો સડી ગઈ છે.વહેલી તકે નવી પાઈપ લાઈન નાંખી આપે જેથી કાયમી પ્રશ્ન હલ થશે.પાલિકા નવી પાઈપ ક્યારે લાવશે અને ક્યારે નાખશે એ તો ભગવાન જાણે પણ હાલ તો સમારકામ શરૂ કરી દીધું છે અને પાણી આવતું થઈ જશે એવું આશ્વાસન આપી રહ્યા છે.
આ અંગે અમે નગર પાલિકા વિરોધ પક્ષના નેતા શાહી હીનૂર પઠાણનો સંપર્ક કરતા આ મહિલા કોર્પોરેટરે જણાવ્યું હતું બે દિવસથી પાણી ની સમસ્યા અંગેની માહિતી મને મળી છે. મને તપાસ કરતા જાણવા મળ્યું છે કે અહીં વર્ષો જૂની પાઇપો હોવાથી પાણીનો લિકેજનો ઘણા વર્ષથી પ્રશ્ન છે.અહીં બે વાર બોર કરાવેલા પણ બન્ને બોર ફેલ ગયા છે હું ચીફ ઓફિસર અને પ્રમુખ ને રજૂઆત કરું છું કે પ્રજા ને વહેલી તકે પાણી મળે.રાજા રજવાડા વખતથી જૂની સડી ગયેલી પાઇપ લાઈન કાઢી નાખી નવી પીવીસી પાઇપ નાખે. અને હવે જયારે નવી બોર્ડ મિટિંગ થશે ત્યારે નવા બોરની માંગણી કરીશ.
આ અંગે નગર પાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડિયાએ કબૂલ કર્યું હતું અહીંયા ઘણા વર્ષથી પાણીનો પ્રશ્ન છે.તપાસ કરતા જાણવા મળ્યું છે કે અગાઉ નગરપાલિકાએ જે બોર બનાવેલા તે ફેલ ગયા છે.એને રીપેર કરવાની કોશિશ કરી પણ એમાં સફળતા મળી નથી.બીજું પાઇપ લાઈનો જૂની છે તે નવી બદલવાની જરૂર જણાશે તો એન્જીનીયર તપાસ કરશે અને એવો રિપોર્ટ આવશે તો નવી પાઈપ લાઈન નાખવામાં આવશે.