(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર અવારનવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે.અકસ્માતની એક આવી જ ઘટના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ ખાતે બની હતી.આ વિચિત્ર અકસ્માતની ઘટના નજીકની એક દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ અકસ્માતના વિડીયો વાયરલ થયો હતો.ગણતરીની પળોમાં કાર પલ્ટી મારવાની ઘટના કેમેરામાં આબાદ કેદ થઈ હતી.કેમેરાની ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે નગરના એક શોપિંગ સેન્ટર સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર વાહન ચાલકો માટે ડિવાઈડરમાં કટ મુકેલો છે.આ કટનો ઉપયોગ કરી એક કાર ચાલક પોતાની કાર જમણી તરફ મુખ્ય માર્ગ પર લેવા જઈ રહ્યો હતો.તેવામાં ડાબી તરફથી આવતી કાર સાથે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની સાથે જ ગણતરીની પળોમાં ડાબી તરફથી આવતી કાર હવામાં ફંગોળાઈને માર્ગની સાઈડમાં પલ્ટી મારી ગઈ હતી.જોકે આ અકસ્માતમાં બન્ને કાર ચાલકોનો આબાદ બચાવ થયો હતો. સદભાગ્યે કોઈ મોટી ઈજાઓ નહિ થતા સામાન્ય ઈજાઓ થતા સહુએ રાહતનો દમ લીધો હતો. અકસ્માત થયાનો અવાજ નજીકમાં રહેલા લોકોએ સાંભળતા તેઓ મદદે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચાલકને બહાર કાઢ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર છાસવારે નાના મોટા અકસ્માતો થાય છે.આ પૈકી ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા છે.જોકે આજના આ અકસ્માતમાં કોઈ જાનહાની નહિ થતાં સહુએ રાહત અનુભવી હતી.