(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં નેશનલ હાઇવે પર એક બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર દંપતિ પૈકી પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ અંગે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ મુળ ઓરિસ્સાના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા બાબુરામ શ્રીનાથ કાલુચરણ બેહેરા ગતરોજ તા.૮ મીના રોજ તેમના પત્ની રીનાબેન સાથે સવારના દશેક વાગ્યાના સમયે ભરૂચ નિલકંઠ મંદિરે શિવરાત્રી નિમિત્તે દર્શન કરવા ગયા હતા.પતિ પત્ની મંદિરે દર્શન કરીને પાછા ફરતા હતા.ત્યારે નર્મદા નદી નજીક આવેલ ટોલનાકુ પસાર કરીને મુલદ ગામ તરફ જઈ રહ્યા હતા.ત્યારે તે દરમ્યાન એક ટ્રેલર તેમની મોટર સાયકલને જમણી સાઈડ ઉપરથી ઓવરટેક કરતા સર્જાયેલ અકસ્માતમાં પતિ પત્ની મોટર સાયકલ સાથે નીચે પડી ગયા હતા.આ અકસ્માતમાં નીચે પડેલ રીનાબેન ગંભીર રીતે જખ્મી થતાં તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું.અકસ્માતની આ ઘટના સંદર્ભે બાબુરામ બેહેરાની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપરાંત રાજ્ય ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર છાસવારે સર્જાતા અકસ્માતોને લઈને તાલુકાની જનતા ચિંતિત બની છે.અવાર નવાર સર્જાતા નાના મોટા અકસ્માતો પૈકી ઘણા અકસ્માતો જીવલેણ પણ બનતા હોય છે.