(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત સાથે નર્મદા જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી જતાં તેના ચૂસ્ત અમલ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તત્કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ ૨૧- છોટાઉદેપુર લોકસભા વિભાગમાં સમાવિષ્ટ નાંદોદ અને ૨૨ – ભરૂચ લોકસભા વિભાગમાં સમાવિષ્ટ દેડીયાપાડા એમ જિલ્લાની બન્ને વિધાનસભા મતવિસ્તારોમાં આદર્શ આચારસંહિતા સમિતિ પણ સક્રિય થઈ ગઈ છે.લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ પ્રથમ દિવસથી જ જિલ્લામાં સરકારી તથા ખાનગી ઈમારતો પરથી પોસ્ટર્સ, બેનર્સ અને લખાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે ૮૧૬ થી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરી દેવામાં આવી છે. આ કામગીરી હજુ પણ
જારી રહેલ છે.
નર્મદા જિલ્લામાં આદર્શ આચારસંહિતા સમિતિના નોડલ ઓફિસર જે.કે.જાદવ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલના માર્ગદર્શનમાં અને નિરીક્ષણ હેઠળ શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળો, સરકારી ઈમારતો તેમજ ખાનગી ઈમારતો પરથી સરકારી જાહેરાતો તથા રાજકીય લખાણોવાળા પોસ્ટર, બેનર્સ, ઝંડીઓ ઉતારવાની,દિવાલ પરના લખાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ સમગ્ર કામગીરીમાં તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર અમલીકરણ અધિકારી તરીકે કામ કરી રહ્યા છે.
ચૂંટણીના જાહેરાતના પ્રથમ દિવસમાં નર્મદા જિલ્લાની બન્ને વિધાનસભા બેઠક વિસ્તારોમાંથી કુલ ૮૧૬ પ્રચારાત્મક સામગ્રી દૂર કરી દેવામાં આવી છે. જેમાં સરકારી મિલકતો પરથી ૯૫ દિવાલો પરના લખાણો ભૂંસી નંખાયા છે, તો ૧૩૮ પોસ્ટર્સ તથા ૧૭૨ બેનર્સ તેમજ ૨૮૮ જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને કુલ ૬૯૩ સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે.જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ ૪૧ દિવાલ પરના લખાણો, ૨૬ પોસ્ટર્સ, ૨૭ બેનર્સ અને ૨૯ અન્ય મળીને કુલ ૧૨૩ જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે આ કાર્ય કરી રહ્યું છે અને કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવી છે.
આચારસંહિતાના અમલ સાથે નર્મદા જિલ્લા માંથી ૮૧૬ થી વધુ પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઈ
- જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના નિર્દેશ મુજબ, આચારસંહિતા સમિતિની તત્કાલ કામગીરી - પોસ્ટર્સ, બેનર્સ, દીવાલ પરના લખાણો દૂર કરવાની કામગીરી હજી પણ ચાલુ રહેશે