(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન વહન અને ગેરકાયદેસર રીતે પરવાના વગર રેતીના સ્ટોકના ઢલાઓ ખડકી દેવાની ફરિયાદો કંઈક નવી નથી,ભૂસ્તર વિભાગના મેળાપીપણામાં રેતી માફીયાઓ દ્વારા તમામ નીતિ નિયમો નેવે મૂકી આવા ગોરખ ધંધા કરવામાં આવતા હોવાની ફરિયાદો ખુદ જે તે ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા પણ કરવામાં આવતી હોય છે.તેમ છતાં ભૂસ્તર વિભાગ અને જીલ્લા કલેકટર વિભાગનું પેટનું પાણી હાલતું નથી,નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ ભાલોદ ગામના સરપંચ દ્વારા જિલ્લા ભૂસ્તર વિભાગ તથા જીલ્લા કલેકટરને એક લેખિતમાં ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે મોજે ભાલોદ તાલુકા ઝઘડિયા ગામની રેવન્યુ હદમાં આવેલ ગેસ પોઈન્ટની આસપાસની સરકારી જમીનો ઉપર તરસાલી ગામના કેટલાક ઈસમો દ્વારા પરવાનગી મેળવ્યા વગર રેતીનો સ્ટોક કરી દેવામાં આવેલ છે,જેથી આ બાબતે તપાસ કરાવી આવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાલોદ ઉપરાંત તેની આજુબાજુની ગ્રામ પંચાયતોની સરકારી ખુલ્લી પડતર જમીનોમાં પણ આવા તત્વોએ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી તેનો સ્ટોક કરી એડિંગો જમાવ્યો છે. ઝઘડિયા પંથકના નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન વહન અને સ્ટોક કરનારાઓના માથે ભૂસ્તર વિભાગ અને પોલીસ વિભાગના ચાર હાથ હોવાના કારણે તેઓ બેફામ બન્યા છે,સરપંચો દ્વારા ગામના આગેવાનો દ્વારા કરવામાં આવતી ફરિયાદોને સરકારી બાબુની જેમ રેતી માફિયાઓ પણ નજર અંદાજ કરી આવી ફરિયાદ તો થયા કરે તેવા મિજાજમાં રચ્યા પચ્યા રહે છે અને ખરેખર રજૂઆતોનો કોઈપણ ઠોસ પગલાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા તત્વો સામે ભરવામાં આવતા નથી જેથી ઝઘડિયા પંથકમાં રેતી માફિયાઓને છૂટો દોર મળ્યો છે.