(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના ટુંડજ ગામે સરકારી જમીન ખેત તલાવડી,કાંસ માંથી દેશી બાવળના વૃક્ષોનું નિકંદન કરાતા સરપંચ કૈલાસબેન પી પરમાર દ્વારા મામલતદારને લેખિત ફરિયાદ કરતા લાકડાચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
સરકાર દ્વારા વૃક્ષ વાવો,પર્યાવરણ બચાવો સરકાર પર્યાવરણનું જતન કરવા પ્રયત્નશીલ છે.ત્યારે વૃક્ષોનું છેદન કરી પોતાનો રોટલો શેકવા લીલા વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ કરી લાકડા વેચવાનું કૌભાંડ જોરશોરમાં ચાલી રહ્યું હોય અને આ કૌભાંડ બહાર આવતા પંથકમાં ચકચાર મચી છે.જંબુસર તાલુકામાં ઘણા સમયથી વૃક્ષછેદનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચર્ચાઓ તથા વૃક્ષછેદન કોના ઈશારે ચાલી રહ્યું છે.લાકડા ચોરોના માથે કોનો હાથ છે.તે અંગે પણ ચર્ચાએ જોર પકડયું છે.
હાલમાં જંબુસર તાલુકાના ટૂંડજ ગામે સરકારી ખેત તલાવડી માંથી ગેરકાયદેસર દેશી બાવળ અને સમડાના 40 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હોવાનું મહિલા સરપંચ કૈલાશબેન પી પરમાર ને જાણ થતા તેઓ તાત્કાલિક પતિ તેમજ સભ્યો સાથે સ્થળ પર પહોંચતા,લાકડા કાપતા મજૂરો ભાગી ગયા હતા અને લાકડા ભરેલ ટ્રેકટરને ઉભું રાખી ડ્રાઈવરને પૂછતા આ લાકડા સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલાએ કપાયેલા છે અને ટ્રેક્ટર ચંદુભાઈ કાંટાવાળા નું છે.તેમ જણાવેલ જે અંગે સરપંચ કૈલાશબેન પરમાર દ્વારા મામલતદાર જંબુસરને પંચાયતના લેટરપેડ પર લેખિત ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે અને ટુંડજ તલાટી કમ મંત્રી દ્વારા પંચ કેસ પણ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જંબુસર પંથકમાં રોકટોક વગર ચાલી રહેલ વૃક્ષછેદનની પ્રવૃત્તિને લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવે તે પર્યાવરણ માટે ઈચ્છનીય છે.
જંબુસરના ટુંડજ ગામે ગેરકાયદેસર વૃક્ષ છેદન થતા સરપંચ દ્વારા મામલતદારને લેખિત ફરિયાદ કરાઈ
- વૃક્ષછેદન કોના ઈશારે ચાલી રહ્યું છે,લાકડા ચોરોના માથે કોનો હાથ છે તે અંગે ચર્ચાએ જોર પકડયું - વૃક્ષછેદનની પ્રવૃત્તિને અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવે તે પર્યાવરણ માટે ઈચ્છનીય