ભરૂચ,
ભરૂચની મામલતદાર કચેરીના પટાંગણમાં પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરનાર યુવકે અગમ્ય કારણોસર પંપની ઓરડીમાં કમરે બાંધવાના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથધરી છે.
ભરૂચ કલેક્ટર કચેરીના પટાંગણમાં ૨૩ વર્ષીય સંજય મિથેલિયાભાઈ બામનીયા બગીચામાં માળી અને મામલતદાર કચેરી પાસે પાણીના પંપની ઓરડીમાં પાણી ચાલુ બંધ કરવાની કામગીરી કરતો હતો.આજરોજ સવારના ૭ વાગ્યા પહેલા તેણે કોઈ પણ અગમ્ય કારણોસર પાણીના પંપની ઓરડીમાં પતરાની છત સાથે લોખંડની એંગલ સાથે પોતાની કમરના પટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લટકી પોતાની જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનનાની જાણ થતા જ નજીકમાં રહેતા પરિવારના પરિવારના સભ્યો દોડી આવ્યાં હતા.
આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા સિંધવાઈ પોલીસ ચોકીનો સ્ટાફ સ્થળ દોડી આવી યુવકના મૃતદેહને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવકના એક મહિના બાદ લગ્ન હોય ઘણો જ ખુશ પણ હતો. ગતરોજ તે પોતાના અને પરિવારના સભ્યો માટે નવા કપડા પણ ખરીદ્યા હતા.ત્યારે અચાનક આ યુવકને આત્મહત્યા કરી લેતા ઘનિષ્ઠ તપાસનો વિષય બન્યો છે.