ભરૂચ,
વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલ આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીના ફાઈબર ડિવિઝનના ઓક્ઝીલરી પ્લાન્ટમાં નોકરી કરતા આશાસ્પદ યુવાને કંપની પરિસરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમના ફાઈબર ડિવિઝનના ઓક્ઝીલરી પ્લાન્ટમાં ભરૂચ તાલુકાના તવરા ગામે રહેતા રાજેશ ગોહીલ નામના યુવાને પ્લાન સુપરવાઈઝર મનજીત સિંઘના દબાણથી કંટાળીને કેન્ટીનની પાછળના ભાગે ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લેતા સમગ્ર જીલ્લામાં અરેરાટી પ્રસરી ગઈ હતી.મૃતક યુવાને આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખીને મનજીતસિંઘ દ્વારા અનહદ ટોર્ચર કરવામાં આવતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.સેફ્ટી વગર કામ કરવા દબાણ કરતું હોવાના પણ સણસણતા આક્ષેપ કર્યા છે.જેના કારણે જ ભૂતકાળમાં પણ અનેક જાનહાનિના બનાવો પણ બન્યા છે. ગેસ છૂટવાની ઘટના અને તેનાથી કામદારોને થતાં નુકશાન અંગેનો પણ ઉલ્લેખ કરાયો છે.સક્ષમ ન હોવા છતાં ક્ષમતા કરતા વધારે કામ કરાવતા હોવાના આક્ષેપ કરી જીવન ટુંકાવી લીધું છે.સમગ્ર ઘટના અંગે વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.તો બીજી તરફ મૃતક યુવાનના પરિજનોએ ન્યાયની માંગણી સાથે મૃતદેહનો અસ્વીકાર કરવાની તૈયારી કરતા કંપની મેનેજમેન્ટનો પરસેવો છૂટી ગયો હતો.અંતે મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી વિવિધ માંગણીઓ સંતોષાતા મૃતકના પરિજનોએ પાર્થિવ દેહની અંતિમ વિધિ શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.કંપનીની વારંવારની બેદરકારી સામે આવતા નોકરી કરતા અન્ય લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.