– મહેમાન આવેલા હોવાથી બંને યુવકો જમવાનું લઈને ઘરે જતા રસ્તામાં અક્સ્માત સર્જાયો
આમોદ,
આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ નજીક ગત રોજ રાત્રીના ૯:૩૦ કલાકે ટેન્કર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.પોલીસે અક્સ્માત ગુનો નોંધી ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આછોદ ગામે બાદા ફળીયામાં રહેતા યહયા યાકુબ મુસા પટેલ ઉં.વ.૧૯ તેના મિત્ર સલીમ સફીકના ઘરે મહેમાન આવેલા હોવાથી જમવાનું લેવા માટે આમોદ ગયા હતા.જે જમવાનું લઈને આમોદથી પરત આછોદ તરફ આવી રહ્યા હતા ત્યારે આછોદ ગામ નજીક આવેલા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલક તારકનાથ દુધનાથ ચતુરવેદી રહે-સાહપુર ગામ, પોસ્ટ-શાહપુર તા.બદલાપુર જી.જોહનપુર ઉતરપ્રદેશ પોતાનું કબજામાંનું ટેન્કર પુરઝડપે ગફલત ભરી રીતે હંકારી ઓચિંતા વળાંક લઈ મોટર બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક યહયા યાકુબ મુસા પટેલનુ સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નિપજાવ્યું હતું.જ્યારે બાઈક પાછળ બેઠેલા મિત્ર સાલીમ સાદીકને નાની મોટી ઈજાઓ થઈ હતી.અકસ્માત થતાં બંને યુવાનોને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં હાજર તબીબે યહયા યાકુબ મુસા પટેલને મરણ જાહેર કર્યા હતા.સલીમ સાદિકને નાની મોટી ઈજાઓ થઈ હતી.આમોદ પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.





