આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં તેમજ પ્રવેશ દ્વાર સામે જ રખડતી ગાયોનો અડીંગો

SHARE:

– આમોદ પાલિકાએ ચાર લાખથી વધુના ખર્ચે રીપેરીંગ કરેલો ઢોર ડબ્બો શોભાના ગાંઠીયા સમાન

આમોદ,

આમોદ નગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે.ત્યારે આમોદ પાલિકાના કમ્પાઉન્ડમાં તેમજ પ્રવેશ દ્વાર સામે જ રખડતી ગાયોએ અડીંગો જમાવી લેતા નગરજનો સહિત રાહદારીઓને રખડતા ઢોરથી ડર સતાવી રહ્યો છે.

આમોદમાં અઠવાડિયા પહેલા જ એક પેરાલિસિસ ગ્રસ્ત આધેડને ગાયે અડફેટમાં લઈ ઇજા પહોંચાડી હતી.જેથી લોકોમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.આમોદ પાલિકા પાસે  ઢોર પકડવાની કોઈ નિષ્ણાંત ટીમ નહીં હોવા છતાં પાલિકાએ ઢોર ડબ્બા રીપેરીંગ પાછળ ચાર લાખથી વધુનો ધુમાડો કરી સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો હતો.તેમ છતાં નગરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત રહેવા પામી છે.આ ઉપરાંત આમોદ નગરમાં શાકભાજી અને ફ્રુટની લારી ધરાવતા વેપારીઓ પણ રખડતા પશુઓથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.ત્યારે નગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર સામે જ રખડતા પશુઓના અડિંગાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવી હતી તેમજ ઝઘડો કરતા રખડતા ઢોરથી રાહદારીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા.બે દિવસ પહેલા જ મામલતદાર કચેરી ખાતે ગણેશ યુવક મંડળના મુખ્ય આયોજકોની વહીવટી તંત્ર સાથે ગણેશ વિસર્જનને લઈને મીટીંગ મળી હતી.જેમાં આયોજકોએ આમોદમાં રખડતા પશુઓને મામલે રજૂઆત કરી હતી.ત્યારે આમોદ મામલતદારે પોલીસ ઈન્સ્પેકટરની હાજરીમાં નગરપાલિકા તંત્રને રખડતાં ઢોર પકડવા સૂચના આપી હોવા છતાં પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પુરવાની હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરી નથી.જેથી નગરજનોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!