આમોદ,
આમોદ નગરપાલિકાના વોર્ડ નં.૬ માં આવેલી આંગણવાડી કેન્દ્ર નં.૩ પાસે દુર્ગંધ મારતી ગંદકીથી સ્થાનિક રહિશો તેમજ બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે.આમોદ પાલિકાને ગંદકી દૂર કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી જેથી લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે.આમોદ નગરપાલિકા તંત્ર જાણે સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાવતું હોય તેમ લાગી રહ્યુ છે.
જાણવા મળતી માહિતી મુજબ આમોદ પાલિકાના વોર્ડ નં.૬ ના સદસ્ય કમલેશ સોલંકી દ્વારા મુખ્ય અધિકારી તેમજ સેનેટરી ઈન્સ્પેકટરને આંગણવાડી પાસે ફેલાયેલી ગંદકી દૂર કરવા રજૂઆત કરી હતી. પરંતુ પાલિકા સત્તાધીશો કોઈ ધ્યાન આપતા નથી.જેથી પાલિકા સદસ્યએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરની ગંદકી દૂર કરવા માટે આશરે ૪૦ લાખના ખર્ચે નવું જે.સી.બી.તેમજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે આશરે ૩૦ લાખના ખર્ચે ત્રણ છોટા હાથી ટેમ્પા લાવવામાં આવ્યા છે.છતાં નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે.જેથી આમોદ નગરપાલિકા શાસકોના અણઘડ વહીવટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે આમોદ પાલિકાના સત્તાધીશો પોતાની નૈતિક ફરજ સમજી આંગણવાડીની ગંદકી દુર કરશે ? કે પછી તેમની માનસિકતા પ્રમાણે જ રહેશે? તે જોવું રહ્યું.આંગણવાડી પાસે ગંદકીમાં દારૂની ખાલી બોટલો તેમજ બિયરના ટીન જોવા મળતા દારૂબંધીના પણ ધજાગરા જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરના વોર્ડ નંબર ૬ માં આવેલી આંગણવાડી કેન્દ્ર નં.૩ ની નજીકમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે.તેમજ બાજુમાં જ મામલતદાર કચેરી પણ આવેલી છે.ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની બોટલો જોઈ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.આંગણવાડી સામે જ દારૂની બોટલો જોવા મળતા કૂમળા મનના બાળકો ઉપર તેની શું અસર થશે તે વિચારવું રહ્યું.




