– મૃતક પરિવારને ન્યાય અને વળતર માટે ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરી પોલીસમાં ફરિયાદ કરાઈ
ભરૂચ,
પાનોલીની સનફાર્મા કંપનીમાં ગેસની અસરથી યુવાનના મોત બાદ પરિવારને ન્યાય અને વળતરની માંગ સાથે કામદારોએ મંગળવારે હોબાળો મચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પાનોલી આવેલી સનફાર્મા કંપનીમાં રવિવારે મૂળ ઓરિસ્સાનો ૩૭ વર્ષીય કામદાર અલાદ કંદબા ભુએ પ્લાન્ટ નંબર ૬ માં કામ કરી રહ્યો હતો.તે વખતે રિકેટર નંબર ૬૧૭ માં ટોલ્વીન પ્રોસેસ થઈ રહી હતી.અચાનક ટોલ્વીનની અસર લગતા યુવાનને માથામાં દુખાવો શરુ થયો હતો.જેને કંપનીના ઓ.એચ.સી ખાતે સારવાર બાદ તેની હાલત ગંભીર થતા અંકલેશ્વરની પદ્દમસિદ્ધા હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન શ્રમિક અલાદ ભુએનું મોત નીપજ્યુ હતું.
મંગળવારે આ અંગેની જાણ થતા જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. કંપનીના ગેટ પાસે ભેગા થઈ મૃતક કામદારનાના પરિવારને યોગ્ય વળતરની માંગણી સાથે દેખાવો કરી કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી.ગેટ બહાર કામદારોના હોબળા સાથે ફેકટરી ઈન્સ્પેકટર સામે પણ આક્રોશ વ્યકત કરાયો હતો.ઘટના અંગે પાનોલી પોલીસને પણ ફરિયાદ આપતા પોલીસ સાથે ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી હતી.




