– જીઆઈડીસીની કે.પી.ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કેમેરાનું બેકઅપ ૩૦ દિવસનું નહિ રાખી ૧૫ દિવસનું રાખેલ હોઈ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં આવેલ કે.પી.ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સીસી ટીવી કેમેરા નિયમ મુજબ નહિ હોઈ કંપની સંચાલક વિરૂધ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છેકે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ જાહેર સ્થળો સહિત હોટલો,વિવિધ ધંધાકીય સ્થળોએ તેમજ ઔદ્યોગિક કંપનીઓમાં નિયમ મુજબ સીસી ટીવી કેમેરા ગોઠવવાના હોય છે.
ઝઘડિયા જીઆઈડીસી પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન જીઆઈડીસીની કે.પી.ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં સીસીટીવી કેમેરા બાબતે ચેકિંગ હાથધર્યું હતું.પોલીસ તપાસ દરમ્યાન કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરા નિયમ મુજબની ગાઈડલાઈન પ્રમાણે હતા નહિ.કેમેરા ચેક કરતા જાણવા મળેલ કે કેમેરાનું મેનેજમેન્ટ કંપનીના માલિકના મોબાઈલ ફોનમાં હતું.કેમેરાઓ પીટીઝેડ પ્રકારના હતા નહિ,તેમજ કેમેરાનું બેકઅપ પંદર દિવસ જેટલા ઓછા સમયનું રાખેલ હતું.કંપનીના માલિક સંદીપભાઇ પટેલને પુછતા તેઓ તેમના મોબાઈલમાં કેમેરા ઓપરેટ કરતા હોવાનું જણાવ્યું હતું.પોલીસ તપાસ દરમ્યાન સદર કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરા સરકારી નિયમ અને ગાઈડલાઈન મુજબ લગાવેલ હતા નહિ,તેથી સરકારી જાહેરનામાનો ભંગ થયો હોવાનું જણાતા ઝઘડિયા જીઆઈડીસી પોલીસે કે.પી.ઈન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક સંદીપ રતિલાલભાઈ પટેલ રહે.પાર્વતીનગર સોસાયટી, સુભાનપુરા,વડોદરાના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




