ભરૂચ,
ભરૂચ સહિત દેશભરમાં આજે ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહ્વાન પર એક દિવસીય હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે ભરૂચ શહેરના અનેક મેડિકલ સ્ટોર સંચાલકોએ પોતાના દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખી ઓનલાઈન દવાઓના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરત શાહ નું કહેવું છે કે ઓનલાઈન દવાના વધતા વેપારને કારણે સ્થાનિક મેડિકલ સ્ટોર વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે.મોટી ઓનલાઈન કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપી દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાથી નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે.સાથે જ ઓનલાઈન દવાઓના વેચાણમાં ડૉક્ટરની યોગ્ય સલાહ વગર દવાઓ લોકો સુધી પહોંચી જતી હોવાના કારણે આરોગ્ય સંબંધિત જોખમો પણ ઊભા થઈ રહ્યા હોવાનું એસોસિએશને જણાવ્યું હતું.કેમિસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે કેટલીકવાર ઓનલાઈન માધ્યમથી એક્સપાયરી નજીકની દવાઓ, ખોટી દવાઓ અથવા પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓના કારણે દર્દીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે.દવા માત્ર વેપારનો વિષય નહીં પરંતુ લોકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતો વિષય હોવાથી તેના વેચાણમાં કડક નિયમો જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.હડતાલ દરમ્યાન દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલોમાં સંચાલિત મેડિકલ સ્ટોર તથા ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા દવાના કાઉન્ટરોને હડતાલમાંથી મુક્ત રાખવામાં આવ્યા હતા.જેના કારણે જરૂરી દવાઓ માટે આવતા દર્દીઓને રાહત મળી હતી.




