ઉમલ્લા ખાતે કેળા કાપનારા શ્રમિકો દ્વારા યોગ્ય મહેનતાણાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

SHARE:

– શ્રમિકો દ્વારા કેળા ભરેલી ગાડીઓને રોકી વિરોધ નોંધાવ્યો હતો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે કેળા કાપનારા શ્રમિકો દ્વારા યોગ્ય મહેનતાણાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધતી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને કારણે હાલ મળતી મજૂરીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું હોવાનું શ્રમિકોએ જણાવ્યું હતું. શ્રમિકોના જણાવ્યા મુજબ તેઓ લાંબા સમયથી વેપારીઓ અને કેળા બાગાયત સાથે સંકળાયેલા માલિકો સમક્ષ મજૂરી વધારવાની માંગણી કરી રહ્યા છે.પરંતુ હજુ સુધી તેમની માંગ અંગે યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.જેના પગલે ગત રોજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉમલ્લા ચાર રસ્તા ખાતે એકત્રિત થયા હતા અને કેળા ભરેલી ગાડીઓને રોકી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન શ્રમિકોએ જણાવ્યું હતું કે હાલની મજૂરી પ્રમાણે રોજિંદા ખર્ચ, બાળકોના શિક્ષણ તથા ઘરખર્ચ ચલાવવો અઘરો બની ગયો છે.દિવસભર ભારે પરિશ્રમ કરવા છતાં મળતી મજૂરી તેમની મહેનત મુજબ નથી મળતી હોવાની પણ શ્રમિકોએ વ્યથા વ્યક્ત કરી હતી.શ્રમિક આગેવાનો દ્વારા વેપારીઓને ચેતવણી આપવામાં આવી હતી કે જો મજૂરીમાં વધારો કરવામાં નહીં આવે તો તેઓ ખેતરોમાં કામ કરવા નહીં જાય અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા પણ સ્થળ પર એકત્રિત થયા હતા.થોડા સમય માટે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી હતી. જોકે બાદમાં સ્થાનિક આગેવાનો અને વેપારીઓ વચ્ચે ચર્ચા શરૂ થતાં પરિસ્થિતિ શાંત બની હતી. શ્રમિકોએ તંત્ર તેમજ વેપારીઓને તેમની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બની યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. હાલ સમગ્ર મામલે વેપારીઓ અને શ્રમિકો વચ્ચે ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!