(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આત્મહત્યાની બે અલગઅલગ ઘટનાઓ બનવા પામી હતી.
ઝઘડિયા પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના અંધારકાછલા ગામે રહેતા સંજય જમસુભાઈ વસાવા નામના ૨૭ વર્ષીય યુવકને તા.૬ ના રોજ રાતના આઠ વાગ્યાના સમયે તેની પત્નીએ કહેલ કે તમે કોઈ કામધંધો કરતા નથી,તેમ કહીને ઠપકો આપ્યો હતો.યુવકને પત્નીના ઠપકાથી મન પર લાગી આવતા તેણે બીજા દિવસે તા.૭ મીના રોજ રાતના સાડા આઠ વાગ્યાના અરસામાં ઘરના વાડા પાછળ બાવળના ઝાડ સાથે ઓઢણી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.ઘટનાની જાણ તેના પરિવારને થતા પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા,અને ત્યાર બાદ એમ્બ્યુલન્સ બોલાવાતા એમ્બ્યુલન્સના કર્મચારીએ સંજયને મરણ પામેલ જાહેર કર્યો હતો.ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરવાની બીજી ઘટના મુજબ ઝઘડિયા નગરની મારુતિ રેસિડેન્શિમાં રહેતો ૪૬ વર્ષીય કમલેશ મણીલાલ વસાવા નામનો ઈસમ ગતરોજ ૮ મીના રોજ ઘરેથી નીકળીને ક્યાંક ચાલ્યો ગયો હતો.કમલેશ ઘરમાં હાજર નથી તેવી જાણ થતા પરિવારજનો અને સંબંધીઓ અલગઅલગ ટુકડીઓમાં કમલેશને શોધવા નીકળ્યા હતા.શોધખોળ દરમ્યાન મુલદ ગામ નજીક રોડની બાજુમાં કમલેશની મોટરસાયકલ પાર્ક કરેલ મળી આવી હતી. પરિવારજનોએ આજુબાજુ તપાસ કરતા ત્યાં વીજળીના થાંભલા સાથે દોરડાથી ગળાફાંસો ખાધેલ હાલતમાં કમલેશનો મૃતદેહ મળી આવ્યો હતો.બન્ને ઘટનાઓમાં ઝઘડિયા પોલીસે ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




