ભરૂચ,
ભરૂચમાં રોટરી ક્લબ અને જય ઝૂલેલાલ હોસ્પિટલ તેમજ વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા રવિવારના રોજ મેગા મેડિકલ સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
રોટરી ક્લબ ઓફ ભરૂચ અને જય ઝૂલેલાલ હોસ્પિટલના સંયુક્ત આયોજન હેઠળ મેગા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ભરૂચ શાખા,ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર શાખા, હોમિયોપેથી મેડિકલ એસોસિએશન તથા રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચનો સહયોગ રહેશે.કેમ્પ આગામી રવિવાર, 14 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી જય ઝૂલેલાલ હોસ્પિટલ, તવરા રોડ ખાતે યોજાશે.આ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે 80 જેટલા નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ રહેશે. દર્દીઓને જરૂરી દવાઓ મફતમાં આપવામાં આવશે. ઉપરાંત, સર્જરીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને નિષ્ણાત તબીબોની સલાહ અનુસાર આધુનિક પદ્ધતિથી ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.કેમ્પ દરમિયાન સર્જરી, સ્ત્રીરોગ, આંખના રોગો, બાળરોગ, દાંતના રોગો, ચામડીના રોગો, ગુદરોગ, કિડનીના રોગો, કાન-નાક-ગળાના રોગો, હાડકાંના રોગો, હૃદયરોગ, ટીબી તથા અન્ય સામાન્ય રોગોના નિદાન અને સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના અનિષ પરીખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.




