ભરૂચ,
આમોદ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડ ખાતે યોજાઈ હતી.જે સામાન્ય સભામાં નગરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી ઠરાવો પસાર કરી બહાલી આપવામાં આવી હતી.
સામાન્ય સભામાં એક મહત્વના મુદ્દા તરીકે ગત સામાન્ય સભા ભર્યા વિના તેમજ ત્રિમાસિક હિસાબોને બહાલી આપ્યા વગર મુખ્ય અધિકારી દ્વારા મનસ્વી ખર્ચાઓ કરવામાં આવેલા ખર્ચ અંગે ચર્ચા હાથ ધરાઈ હતી.આ મુદ્દે સર્વાનુમતે નિર્ણય લઈ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ,મુખ્ય અધિકારી તેમજ વિપક્ષી નેતાને સમાવતી વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી.જે કમિટી દ્વારા તમામ ખર્ચ અને સંબંધિત દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. ચકાસણી દરમિયાન ખર્ચ નિયમો અનુસાર અને વાજબી હોવાનું જણાશે તો તેને મંજૂરી આપવા અંગે આગામી સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવશે.સામાન્ય સભામાં પાલિકાના સુચારુ વહીવટ અને વિવિધ વિભાગોના કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી હતી.આ ઉપરાંત સાસંદ સભ્યની જે ગ્રાન્ટો હતી તેમાં વધુ પડતા કામ મંદિરોને લગતા હોવા છતાં કામોની તત્કાલીન સામાન્ય સભામાં ઠરાવ નહીં થતા લાખો રૂપિયાની ગ્રાન્ટ પરત ગઈ હતી.જેથી પાલિકાના તત્કાલીન ભાજપના સભ્યો સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.ત્યારે લેશ થયેલી ગ્રાન્ટ પરત લાવવા માટે ભાજપના સદસ્યોએ તેમજ કાર્યકારોએ સાસંદ સભ્યને ભલામણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
– આમોદ પાલિકાની કોંગ્રેસના બોર્ડમાં મળેલી પહેલી સભામાં મહિલા સભ્યો સાથે પતિ પણ ઉપસ્થિત રહ્યા
આમોદ પાલિકાની આજ રોજ બપોરના ત્રણ કલાકે મળેલી સામાન્ય સભામાં મહિલા સદસ્યોના પતિ પણ મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ભાજપ અને કોંગ્રેસી કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા પાલિકા પ્રમુખે તેમને બેસવાની વ્યવસ્થા કરવી પડી હતી.
– વિપક્ષી સભ્યો અભ્યાસ કર્યા વગર આવતા શાસક પક્ષ પાસેથી સલાહ માંગતા અચરજ ફેલાયું
આમોદ પાલિકાની સામાન્ય સભામાં ગત બોર્ડના ત્રિમાસિક હિસાબોની બહાલી આપવા બાબતે વિપક્ષી સભ્યોએ શાસક પક્ષ પાસે સલાહ માંગતા પાલિકા સભામાં અચરજ ફેલાયું હતું.તેમજ વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપના સભ્યો અભ્યાસ કર્યા વગર આવતા ભાજપની ફજેતી થઈ હતી.નવા ચૂંટાયેલા ભાજપનાં સભ્યોને પાર્ટી તરફથી કોઈ સલાહ સૂચન નહીં મળતા વારંવાર શાસક પક્ષ પાસે સલાહ માંગતા નજરે પડ્યા હતા.




