મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં GNFCના સુવર્ણ જયંતિ મહોત્સવની ગરિમામય ઉજવણી

SHARE:

– ગોલ્ડન જ્યૂબિલી સેલિબ્રેશનના ઉપલક્ષ્યમાં નર્મદા નગર ટાઉનશીપમાં નમો વડવન-મિયાંવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કના લોકાર્પણ

– નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન

– ભરૂચ જિલ્લાના 50 ગામોના સર્વાંગી વિકાસ માટે 50 વિકસિત ગામો વિઝન ૨૦૪૭ની મહત્વાકાંક્ષી પહેલ

– વિકસિત-આત્મનિર્ભર ભારત ૨૦૪૭ના સંકલ્પમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે GNFC તૈયાર કરેલા પોતાના રોડમેપને તીવ્ર ગતિએ સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન

ભરૂચ,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના સંયુક્ત સાહસ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GNFCના સુવર્ણ જયંતી મહોત્સવની ગરિમામય ઉજવણી નર્મદા નગર ખાતે કરાવી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે GNFCની પાંચ દાયકાની સફળતા ગુજરાતના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારત માટેના યોગદાનની અનન્ય ગાથા છે.વિકસિત-આત્મનિર્ભર ભારત ૨૦૪૭ના સંકલ્પમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે GNFCએ તૈયાર કરેલા પોતાના રોડમેપને વર્તમાન ૭ હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને ૧૦ ગણા વધારીને ૨૦૪૭ સુધીમાં ૭૦ હજાર કરોડના પ્રોજેક્ટ્સ સુધી લઈ જઈને સાકાર કરવાનું GNFC પરિવારને આહવાન કર્યું હતું.રાજ્ય સરકારે પણ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭નો રોડમેપ ૬ રિજીયનમાં સર્વગ્રાહી વિકાસ માટેના લોંગ ટર્મ વિઝન સાથે તૈયાર કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના સળંગ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસર અને GNFCની ગોલ્ડન જ્યૂબિલી અવસર બેયને સુભગ સમન્વય ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ૧૨ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ તેજ ગતિએ આગળ વધ્યું છે.તેમણે આ વિકાસયાત્રામાં દેશના પબ્લિક સેક્ટર અન્ડર ટેકિંગ્સ-જાહેર ક્ષેત્રના સાહસોના મહત્વપૂર્ણ યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પી.એસ.યુને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મકતા સાથે પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફીટેબલ બનાવ્યા છે.મુખ્યમંત્રીએ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા યુક્ત ખાતરો પૂરા પાડીને કૃષિ ઉત્પાદકતા વધારવા સાથે કેમિકલ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા પર્યાવરણ જાળવણી સાથે આર્થિક-સામાજિક વિકાસની નેમ સાકાર કરવાના હેતુથી GNFCની થયેલી સ્થાપનાની સરાહના કરી હતી.તેમણે GNFC એ નીમ પ્રોજેક્ટ હેઠળ લીંબોડીના તેલનો યુરિયાના નીમકોટિંગ તરીકે ઉપયોગ તથા લીમડાના તેલમાંથી બનાવેલા ઓર્ગેનિક ઉત્પાદનોની પહેલને પણ બિરદાવી હતી. 

આ નીમ પ્રોજેક્ટ અંતર્ગત લીંબોડી ભેગી કરવાના કામોમાં ગ્રામીણ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગૃપને જોડીને અંદાજે ૪.૫૦ લાખથી વધુ બહેનોને આર્થિક રીતે પગભર કરવાના ભગીરથ કામ માટે અને ભરૂચ જિલ્લાના ૫૦ ગામોના સર્વાંગી વિકાસ માટે ૫૦ વિકસિત ગામો-વિઝન ૨૦૪૭ની મહત્વાકાંક્ષી પહેલ માટે મુખ્યમંત્રીએ GNFC મેનેજમેન્ટને અભિનંદન આપ્યા હતા.મુખ્યમંત્રીએ GNFCના સુવર્ણ જયંતી ઉત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા નગર ટાઉનશીપમાં નમો વડવન,મિયાવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ તેમજ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદઘાટન અને GNFCની ૫૦ વર્ષની સફળતાની ગાથા આલેખતી કોફિટેબલ બુકનું વિમોચન પણ કર્યુ હતું.

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડની ગોલ્ડન જ્યુબિલી મહોત્સવ પ્રસંગે GNFCના ચેરમેન અને રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે ૧૯૯૧માં ગુજરાતમાં સનદી અધિકારી તરીકે તેમની નિમણૂક સમયે ‘ગુજરાત દર્શન ટૂર’ અંતર્ગત તેમને લીધેલી GNFCની મૂલાકાતની યાદો તાજી કરી હતી. તેમણે GNFCની ગૌરવપૂર્ણ સફર વિશે ભારપૂર્વક જણાવ્યું કે, કંપનીએ ભૂતકાળના વિઝન કરતાં આજે ઘણી મોટી પ્રગતિ કરી છે. કંપનીની આ ઐતિહાસિક સફળતા માટે તેમણે ૨,૭૩,૦૦૦ જેટલા શેરહોલ્ડર્સ, તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સપ્લાયર્સ તેમજ કંપનીના નવનિર્માણમાં ડિઝાઈન, કોન્ટ્રાક્ટ કે શ્રમ કરનાર તમામ નાના-મોટા શ્રમિકોની મહેનતને બિરદાવી હતી.મુખ્ય સચિવ અને ચેરમેને વિઝન ૨૦૪૭ અને ભવિષ્યના આયોજનોનો રોડમેપ આપતા જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારની તમામ કંપનીઓએ ‘વિઝન ૨૦૪૭’ ડોક્યુમેન્ટ મંજૂર કર્યો છે. હાલમાં GNFC ના આશરે સાતેક હજાર કરોડના પ્રોજેક્ટ્સ કાર્યરત છે.વધુમાં જણાવ્યું કે, ભવિષ્યમાં કંપની વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મિલાવીને Consolidate, Expand, and Diversify (મજબૂતીકરણ, વિસ્તરણ અને વૈવિધ્યકરણ) ના ધ્યેય સાથે આગળ વધશે. સાથે જ જીએનએફસી કંપનીએ અત્યાર સુધીમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. ૨૦૦ કરોડનો સીએસઆર ખર્ચ કર્યો છે. જેના પ્રતિક સ્વરૂપે ‘વિકસિત ભારત’ના લક્ષ્ય હેઠળ ભરૂચ જિલ્લાના ૫૦ જેટલા ગામોને દત્તક લઈને વિકસિત ગામો બનાવવા એ કંપનીનો સંકલ્પ છે.નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી અને આત્મનિર્ભરતાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલી નવી ઉદાર ઈન્ડસ્ટ્રીયલ પોલિસીમાં ૨૫ થી ૩૦ ટકા સુધીના ઈન્સેન્ટિવ્સની જોગવાઈ છે.તેના કારણે GNFCના પ્રોજેક્ટ્સની વાયેબિલિટીને મોટો વેગ મળશે અને @૨૦૪૭ ના લક્ષ્યાંકો સમય કરતા વહેલા પૂરા કરી શકાશે.

GNFCના મેનજીંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનથી સૌને આવકારતાં GNFCની ઉત્તરોત્તર પ્રગતિની વિસ્તૃત વિગતો અને ભવિષ્યલક્ષી આયોજનોની છણાવટ કરી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ધારાસભ્ય દેવકિશોરદાસ સ્વામી,અરૂણસિંહ રાણા, રિતેશ વસાવા, જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણે, GNFCના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અજય ખરે અને શેરહોલ્ડર્સ, અધિકારીઓ, કર્મચારીઓ, સપ્લાયર્સ અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતાં.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!