– કલરવ શાળાના સ્થાપક નીલા મોદી અને સેવા યજ્ઞ સમિતિના પ્રમુખ રાકેશ ભટ્ટનું શાલ ઓઢાડી સન્માન કર્યું
ભરૂચ,
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ ખાતે યોજાયેલા GNFCના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ શહેરના બે સેવાભાવી નાગરિકોની મુલાકાત લઈને તેમના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા.
જીએનએફસીથી નીકળી સૌ પ્રથમ તેઓ પ્રીતમનગર વિસ્તારમાં સ્થિત દિવ્યાંગ બાળકો માટે કાર્યરત ‘કલરવ’ સંસ્થાના સ્થાપક પ્રમુખ એવા નીલા મોદીના નિવાસ સ્થાને મુલાકાતે પહોંચ્યા હતા.સંસ્થાના સંચાલક નીલા મોદી સહિત તેમના પરિવારજનો તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી નીલા મોદીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.છેલ્લા 33 વર્ષથી દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના પ્રયાસો માટે તેમણે નીલા મોદીના કાર્યને બિરદાવ્યું હતું.મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ‘કલરવ’ સંસ્થાને જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી.
તો બીજી તરફ મુખ્યમંત્રી જુના ભરૂચના બળેલી ખો વિસ્તારમાં આવેલ સાધના સ્કૂલ નજીક રહેતા સેવાયજ્ઞ સમિતિના વ્યવસ્થાપક રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચીને તેમનું અને તેમના પરિવારજનોનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આ દરમ્યાન તેમણે સેવાયજ્ઞ સમિતિ દ્વારા નિસહાય,જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીએ સમિતિના માનવતાલક્ષી કાર્યોની પ્રશંસા કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા.
ત્યાર બાદ મુખ્યમંત્રી સાધના સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.મુલાકાત દરમ્યાન નજીકની શાળા માંથી સંભળાતી બાળકોની કિલકારીઓ થી આકર્ષાઈ તેઓ ત્યાં પણ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરી હતી.
મુખ્યમંત્રીના સરળ, નિખાલસ અને સ્નેહસભર સ્વભાવથી વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો પ્રભાવિત બન્યા હતા.સમગ્ર મુલાકાત દરમ્યાન લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે મુખ્યમંત્રીના લોકસંપર્કયુક્ત અભિગમની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી.




