ભરૂચ : વડાપ્રધાન વિકસિત ભારત રોજગાર યોજનાનો શુક્રવારે બીજો હપ્તો જાહેર કરશે

SHARE:

– ભરૂચ EPFO દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
ભરૂચ,
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના અંતર્ગત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની બીજો હપ્તો દેશભરના લાભાર્થીઓ માટે જાહેર કરવામાં આવશે.
ભરૂચની કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO ની પ્રાદેશિક કચેરી ખાતે આજે ગુરુવારે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ EPFOના પ્રાદેશિક કમિશનર પરિપૂર્ણ નાથે આ યોજના અંગે મીડિયાને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ₹2,400 કરોડની બીજી કિસ્તી જાહેર કરવામાં આવશે.આ કાર્યક્રમમાં અંદાજે 1200 લોકો પ્રત્યક્ષ હાજર રહેશે.જ્યારે દેશભર માંથી 200 જેટલા સ્થળો પરથી લાઈવ ફીડના માધ્યમથી 70000 થી વધુ લોકો ડિજિટલ માધ્યમથી જોડાશે.આ યોજના મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે, જે કર્મચારીઓ અને એમ્પ્લોયર્સ માલિકો બંને માટે ફાયદાકારક છે.
કર્મચારીઓ માટે લાભ અંતર્ગત જે યુવાનોને પ્રથમ વખત રોજગાર મળ્યો છે, તેમને આ યોજના હેઠળ ₹15000 ની સહાય મળવાપાત્ર છે. આ સહાય 12 મહિનાની સર્વિસ પૂર્ણ થવા પર મળશે, જેમાં પ્રથમ 6 મહિનાની નોકરી બાદ ₹7500 નો પ્રથમ હપ્તો અને ત્યારપછીના 6 મહિના બાદ બાકીના ₹7500 નો બીજો હપ્તો સીધો જમા કરવામાં આવશે.
એમ્પ્લોયર્સ માટે લાભમાં નવા રોજગારની તકો ઉભી કરવા બદલ એમ્પ્લોયર્સને પ્રતિ કર્મચારી મહત્તમ ₹3000 સુધીની સહાય આપવામાં આવશે. નોન-મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને આગામી 2 વર્ષ સુધી અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને આગામી 4 વર્ષ સુધી આ લાભ મળવાપાત્ર રહેશે.
સમગ્ર યોજના માટે સરકાર દ્વારા ₹99446 કરોડનું વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ આ યોજનાના પરિણામે દેશમાં અંદાજે 3.5 કરોડ નવી રોજગારીની તકો ઉભી થવાની આશા છે.
ભરૂચ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને આ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ યુવાનો અને ઉદ્યોગો સુધી પહોંચે તે માટે તંત્ર દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!