ભરૂચ,
આમોદ નગર સહિત તાલુકામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતર મેળવવા માટે વલખાં મારવાનો વારો આવ્યો હતો.સરકાર દ્વારા આમોદ તાલુકા ખરીદ-વેચાણ સંઘ ખાતે માત્ર ૩૦૦ ગુણ ખાતર ફાળવવામાં આવ્યું હતું.જેથી ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી.સંઘના મેનેજર દ્વારા એક ખેડૂત દીઠ પાંચ ગુણ ખાતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જેના અનુસંધાને આશરે ૬૦ જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવી હતી.જોકે સવાર ૪ વાગ્યાંથી ઉઠીને આવેલા તાલુકાના ખેડૂતોને ખાતર ન મળતા ભારે નિરાશા સાથે પરત ફરવું પડ્યું હતું.આ અંગે સંઘના મેનેજરે જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન મુજબ ખાતરનું કાળાબજાર અને સંગ્રહખોરી અટકાવવા માટે મર્યાદિત જથ્થામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે આમોદ તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા ખેડૂત ખાતેદારોમાં માંગ ઉઠવા પામી હતી.




