અંકલેશ્વર ખાતે રાજ્યના જળસંપત્તિ અને પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાદેશિક કાર્યક્રમ યોજાયો

SHARE:

– ૧૬ નવયુવાનોને રોજગાર પત્રો એનાયત કરાયા

ભરૂચ,

કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આજે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY) હેઠળ લાભોના વિતરણ માટે એક વિશેષ પ્રાદેશિક કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી એસ્ટેટ સ્થિત અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના BEIL સેમિનાર હોલ’ ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળસંપત્તિ અને પુરવઠા મંત્રી (સ્વતંત્ર હવાલો) ઈશ્વરસિંહ પટેલે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી.

આ રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કરવામાં આવ્યું હતું.જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ૧૫ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૨,૪૦૦ કરોડના પ્રોત્સાહનોનું વિતરણ કર્યું હતું.આ રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે દેશભરમાં ૨૭૪ જેટલા સ્થળોએ એકસાથે પ્રાદેશિક કાર્યક્રમો યોજીને વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના અંતર્ગત અંકલેશ્વર ખાતે આ પ્રાદેશિક સેમિનાર યોજાયો હતો.

કાર્યક્રમ દરમ્યાન વિવિધ ઉદ્યોગગૃહો અને નિયોક્તાઓ (Employers) દ્વારા નવનિયુક્ત ૧૬ યુવા કર્મચારીઓને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજના દેશના યુવાનો, ઉદ્યોગો અને આર્થિક ભવિષ્યને એક નવી દિશા આપનારી પરિવર્તનકારી પહેલ સાબિત થઈ રહી છે. મંત્રીએ ઉમેર્યું કે, રૂ. ૯૯,૪૪૬ કરોડના માતબર બજેટરી જોગવાઈ સાથેની આ યોજના આગામી બે વર્ષમાં ૩.૫ કરોડથી વધુ નવી રોજગારીની તકો ઊભી કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે ઝડપથી આગળ વધી રહી છે.

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી જીવંત પ્રસારણ (Broadcast) માધ્યમ દ્વારા અંકલેશ્વર ખાતે જોડાયેલા શ્રોતાઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને સશક્ત બનાવવા અને રોજગાર નિર્માણને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવેલું ૧૨ લાખ કરોડથી વધુનું રોકાણ રોજગારી માટે મજબૂત પાયો તૈયાર કરી રહ્યું છે.આ ઉપરાંત પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવેલી રૂ. ૩૩ લાખ કરોડથી વધુની સહાયે કરોડો યુવાનોને સ્વરોજગાર મેળવવામાં મદદ કરી છે.

મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, આજે ૧૦ કરોડથી વધુ મહિલાઓ સ્વસહાય જૂથો (SHGs) સાથે જોડાયેલી છે અને ૩ કરોડથી વધુ મહિલાઓ ‘લખપતિ દીદી’ તરીકે ઉભરી આવી છે. પીએમ સ્વનિધિ અને પીએમ વિશ્વકર્મા જેવી યોજનાઓએ નાના ઉદ્યોગસાહસિકો અને કારીગરોની આજીવિકાને વધુ મજબૂત બનાવી છે.ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમની પ્રશંસા કરતા તેમણે નોંધ્યું કે, એક દાયકા પહેલા દેશમાં માત્ર ૫૦0 સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે વધીને ૨ લાખથી વધુ રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સમાં પરિવર્તિત થયા છે.

નવી દિલ્હી ખાતે મુખ્ય કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા શ્રમિક-લક્ષી સુધારાને ‘ઉદ્યોગ-વિરોધી’ અને ઉદ્યોગ-લક્ષી સુધારાને ‘શ્રમિક-વિરોધી’ તરીકે જોવામાં આવતા હતા. પરંતુ પ્રધાનમંત્રીશ્રીના લોકાભિમુખ અભિગમને કારણે આજે શ્રમિકો અને નિયોક્તાઓ બંનેને રાષ્ટ્રના સમાન ભાગીદાર અને રાષ્ટ્રનિર્માતા તરીકે ગણવામાં આવે છે. ચાર શ્રમ સંહિતાઓ (Labour Codes) નું અમલીકરણ એ શ્રમિકોના ગૌરવ અને સુરક્ષા માટેનું ઐતિહાસિક પગલું છે.આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) ના ડેટા અનુસાર, ભારતમાં સામાજિક સુરક્ષા કવચ પાછલા દાયકામાં ૧૯ ટકાથી વધીને ૬૪.૩ ટકા થયું છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટો વધારો છે. વધુમાં, ૨૦૪ થી ૨૦૨૪ દરમિયાન દેશમાં આશરે ૧૭ કરોડ નવી રોજગારીની તકોનું સર્જન થયું છે.

આ સમગ્ર રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અંકલેશ્વર ખાતે નિહાળવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ નવી દિલ્હી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર ખાતે આયોજિત આ સમારોહમાં મુખ્ય અતિથિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ઈ.પી.એફ.ઓ.ના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત આશરે ૨૭૫ જેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!