– રૂપિયા ૨૫ લાખના ખર્ચે બનતા પંચાયત ભવનમાં પાયાના કામમાં જ ભ્રષ્ટાચાર
ભરૂચ,
આમોદ તાલુકાના સરભાણ ગામે અંદાજિત રૂ. ૨૫ લાખના ખર્ચે નિર્માણાધીન ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જોર પકડ્યું છે.કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેતા ટેકનિકલ બેદરકારી સામે આવી છે.જેમાં છાપકામ કર્યા વગર બીમ કોલમ બાંધી દેતા બિંબના સળીયા કાપી ભ્રષ્ટાચારને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે કથિત ભ્રષ્ટાચાર સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આમોદ તાલુકાના સરભાણ પંચાયત ભવનના બાંધકામ દરમ્યાન યોગ્ય માપદંડો અને લાઇન દોરી વિના બિમ-કોલમનું કામ કરવામાં આવ્યું હતું.પરિણામે બાંધકામની ગુણવત્તા અને માળખાકીય ચોકસાઈ અંગે પ્રશ્નો ઉભા થયા હતા.જેથી સરભાણ ગામના જાગૃત નાગરિકો દ્વારા કામગીરીની ચકાસણી કરવામા આવતા બાંધકામમાં ખામી જોવા મળી હતી.ત્યારે કોન્ટ્રાકટર દ્વારા પેટા કોન્ટ્રાક્ટરના મજૂરો પાસે કામ બંધ કરાવી ફરીથી નવા બીમ કોલમ નાખવાની કાર્યવાહી હાથધરી હતી.
આ સમગ્ર મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પંચાયત ભવનનું નવું બિલ્ડિંગ રૂપિયા ૨૫ લાખના ખર્ચે બની રહ્યું છે.જેમાં કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામગીરી આપતા છાપકામ ખોટું કરેલું છે.બીમ લાઇન દોરી ઉપર આવતા નથી.ભ્રષ્ટાચારથી ખદબદતું ભવન હશે તો ભવિષ્યમાં પડી જશે.પંચાયત ભવનના પાયાના કામમાં જ ભ્રષ્ટાચાર કરવામાં આવતા કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે અને ફરીથી કામગીરી કરવામાં નહીં આવે તો ઉપવાસ ઉપર બેસવાની ચીમકી તંત્રને આપી હતી.
આ બાબતે સરભાણ ગામના મહિલા સરપંચ શ્વેતાબેન પટેલે જણાવ્યું હતું કે ખોટા બીમ કોલમ જે ભરાયા છે તે બાબતે કોન્ટ્રાક્ટરને જાણ કરી છે.કોન્ટ્રાક્ટરે જાતે સ્વીકાર્યું છે કે ખોટા બીમ ભરાયા છે જેથી તેમણે ખોટા બીમ ભરનાર મજૂરોને છૂટા કર્યા છે અને હવે નવા બીમ ભરવામાં આવશે.




