– જુની સ્ટેશન અધિક્ષકની ઓફિસ પાસેથી મળી આવી હતી બેગ : 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઈ
ભરૂચ,
ભરૂચ રેલ્વે સ્ટેશન પર ‘મિશન સેફ સ્ટેશન’ અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલ્વે પોલીસે પ્લેટફોર્મ નંબર-3 પરથી રૂ. 4.03 લાખથી વધુ કિંમતનો 8.075 કિલોગ્રામ ગાંજાનો જથ્થો લાવારિસ હાલતમાં જપ્ત કર્યો છે.આ કાર્યવાહીથી નશાના કારોબારને મોટો ફટકો પડ્યો છે.
ભરૂચ GRPના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.દેસાઈની સૂચના મુજબ, ASI જેતાભાઈ દલાભાઈ અને પોલીસ સ્ટાફ સ્ટેશન પર ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર-3 પર આવેલી જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસે એક શંકાસ્પદ કાળા રંગની બેગ જોવા મળી હતી. પોલીસે બેગની તપાસ કરતાં તેમાંથી 8.075 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસનું અનુમાન છે કે ગાંજાની હેરાફેરી માટે આ જથ્થો ટ્રેન મારફતે લાવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીનો અણસાર મળતા આરોપી બેગ સ્ટેશન પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનું મનાય છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
આ સફળ કામગીરી દર્શાવે છે કે રેલ્વે સ્ટેશનો મારફતે થતા નશાકારક પદાર્થોના ગેરકાયદે પરિવહન પર પોલીસની બાજ નજર છે. ‘મિશન સેફ સ્ટેશન’ અંતર્ગત ભરૂચ GRPની આ કાર્યવાહીએ નશાના નેટવર્ક સામે કડક સંદેશ આપ્યો છે.




