ભરૂચ,
અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી ગ્લેક્સોન ફાર્મા કંપનીમાં કેમિકલ પ્રક્રિયા દરમિયાન ફ્લેશ ફાયર સાથે ધડાકો થતાં ચાર કામદારો દાઝી જવાની ઘટના બની હતી.ઘટનાને પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં નિયમિત કેમિકલ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક ફ્લેશ ફાયર સાથે ધડાકો થયો હતો. તે સમયે નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારો દાઝી ગયા હતા. તમામને સૌપ્રથમ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે કામદારોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (ISH) વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ અંગે ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી એસ.ડી.પાઠકે જણાવ્યું હતું કે, કંપનીમાં ફ્લેશ ફાયરની ઘટના બની હતી.જેમાં ચાર લોકો દાઝ્યા હોવાની માહિતી મળી છે.ઘટનાના ચોક્કસ કારણો જાણવા તપાસ ચાલી રહી છે.તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત અને કારણો અંગે વધુ માહિતી સ્પષ્ટ થશે.
પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે કંપનીમાં સલામતીના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.




