– આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા
– અદાલતમાં હરાવવા પડશે : હાઈકોર્ટના વકીલો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતાનું શું? : ગોપાલ ઈટાલીયા
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
આજે રાજપીપળા પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાંડો ફોડ્યોહતો અને જણાવ્યું હતું કે ડેડીયાપાડામાં સ્વયંભૂ હજારો લોકોએ ઉપસ્થિત રહીને ચૈતરભાઈ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યોછે.આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા હતા.
ગઈકાલે હાઈકોર્ટના સરકારી વકીલે પોતે કહ્યું કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્રભાઈ પટેલે સુચના આપી હતી કે સુખવંતીબેનની જામીન અરજીનો વિરોધ કરવો નહીં.સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો છે.ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલમાં પુરનારા લોકોના નામ સરકારી વકીલના મોઢેથી નીકળ્યા છે.
ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે સુખવંતીબેનની સુચના હર્ષ સંઘવીએ આપી, તો બીજા નિર્દોષ ખેડૂતોની બાબતમાં સૂચના કેમ ન આપી?એક વ્યક્તિ નહીં પરંતુ બધા જ આરોપી નિર્દોષ છે, આખો કેસ ખોટો છે.બંધારણ પ્રમાણે ચૂંટણી જીતેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા માણસને સીધી સૂચના આપી શકતો નથી.સરકાર કાયદા વિભાગની સૂચના આપે, કાયદા વિભાગ સચિવને જાણ કરે, સચિવ સેક્શન ઓફિસરને જાણ કરે અને ત્યારબાદ સેક્શન ઓફિસર સરકારી વકીલને સૂચના આપી શકે.શરૂઆતથી જ કહીએ છીએ કે ચૈતરભાઈને ફસાવવામાં આવ્યા છે.ચૈતરભાઈ પક્ષપલટો કરવામાં માન્યા નહીં એટલા માટે તેમના પર ખોટી ફરિયાદો કરવામાં આવી.
નર્મદા જિલ્લા પંચાયતના પરિણામ બાદ ભાજપને લાગ્યું કે ચૂંટણીમાં ચૈતર વસાવાને હરાવી શકાય એમ નથી માટે તેમને અદાલતમાં હરાવવા પડશે.હાઈકોર્ટના વકીલો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતાનું શું?એવા સવાલો પણ ઉઠાવ્યા હતા.




