ભરૂચ,
ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2025-26ની શિષ્યવૃત્તિના નાણા હજુ સુધી જમા ન થતાં આદિવાસી વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજે આદિજાતિ કચેરી ખાતે એકત્ર થઈ આદિજાતિ વિકાસ કમિશનરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ અધિકારીઓ સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ તેમણે વર્ષ 2025-26 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી હતી. કોલેજ તેમજ જિલ્લા કક્ષાએ અરજીઓ મંજૂર થઈ હોવા છતાં હજુ સુધી શિષ્યવૃત્તિની રકમ તેમના ખાતામાં જમા થઈ નથી. પોર્ટલ પર અરજીનું સ્ટેટસ હજુ પણ ‘પેન્ડિંગ’ અથવા ‘અન્ડર પ્રોસેસ’ દર્શાવાઈ રહ્યું હોવાથી વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.
વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું કે આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે અનેક વિદ્યાર્થીઓએ કોલેજની ફી ભરવા માટે લોન અથવા ઉછીના નાણાંનો સહારો લીધો છે. શિષ્યવૃત્તિ સમયસર ન મળતાં તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે અને અભ્યાસ ચાલુ રાખવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
વિદ્યાર્થીઓએ આદિજાતિ વિકાસ વિભાગને વહેલી તકે શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવા, પોર્ટલમાં જો કોઈ ટેકનિકલ ખામી હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ વિદ્યાર્થીઓની સમસ્યાઓના સ્થળ પર ઉકેલ માટે વિશેષ સહાય કેમ્પ યોજવાની માંગ કરી છે. સાથે જ સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.




