(જયશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા એસટી ડેપોમાંથી ભરૂચ જતી મીની બસને લઈને આજે કોલેજના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.મોટી બસના બદલે સતત મીની બસ મુકાતા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ઝઘડિયા એસટી ડેપોમાં થી ઝઘડિયા થી ભરૂચ જતી બસમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ દરરોજ મુસાફરી કરે છે.વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર માત્ર ઝઘડિયાથી જ ૭૦ થી વધુ મુસાફરો બસમાં ચઢે છે.ત્યાર બાદ રાણીપુરા, ગુમાનદેવ, ગોવાલી, મુલદ સહિતના ગામોના મુસાફરો પણ આ જ બસમાં મુસાફરી કરતા હોવાથી મીની બસમાં પૂરતી જગ્યા રહેતી નથી. વિદ્યાર્થીઓએ અવારનવાર જવાબદાર એસટી વિભાગના લેખિત તેમજ મૌખિક રજૂઆતો કર્યા બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, આ સમસ્યાથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે ઝઘડિયા ચાર રસ્તા પાસે બસ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.વિદ્યાર્થીઓએ જણાવ્યું કે મીની બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ઘેટાં-બકરાંની જેમ ગીચોગીચ ભરવામાં આવે છે, જે મુસાફરોની સુરક્ષા માટે ગંભીર જોખમ સમાન છે.
વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો કે જો ક્ષમતા કરતાં વધુ મુસાફરો સાથે બસમાં અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? તેમણે એસટી તંત્ર પાસે મીની બસના સ્થાને નિયમિત મોટી બસ મૂકવાની માંગણી કરી હતી.જેથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને સુરક્ષિત તથા સુવિધાજનક મુસાફરી મળી શકે.હાલ વિદ્યાર્થીઓના વિરોધ બાદ પણ મીની બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડી ભરૂચ તરફ રવાના કરવામાં આવી હતી. હવે એસટી વિભાગ આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે નહીં તેના પર વિદ્યાર્થીઓ અને સ્થાનિક મુસાફરોની નજર મંડાઈ છે.




