– ઔદ્યોગિક વિકાસ માટે જમીન ગુમાવનારા ખેડૂતોના પરિવારોના યુવાનોને રોજગારી ન મળતા રોષ : નોકરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
ભરૂચ,
ભરૂચ નજીક આવેલા જાગેશ્વર ગામમાં વર્ષો પહેલાં ઔદ્યોગિક વિકાસ માટે જમીન ગુમાવનારા ખેડૂતોના પરિવારોના યુવાનોને રોજગારી ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે.છેલ્લા બે વર્ષથી રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક યુવાનો અને ખેડૂતો હવે કંપનીના ગેટ સામે અનિશ્ચિત મુદતના ધરણાં પર બેઠા છે.
વર્ષ 1996-97 દરમ્યાન જાગેશ્વર ગામની ખેતીની જમીનો ઔદ્યોગિક વિકાસ માટે સંપાદિત કરવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને પ્રતિ એકર આશરે રૂ. 56 હજાર વળતર સાથે કાયમી રોજગારી અને પ્રાથમિક સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી હતી.શરૂઆતમાં એ.બી.જી. શિપયાર્ડ કંપનીમાં કેટલાક જમીન ગુમાવનારા પરિવારોને રોજગારી મળી હતી.જોકે કંપની બંધ થયા બાદ તેઓ ફરી બેરોજગાર બન્યા હતા.
હાલમાં આ મિલકતનું સંચાલન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કામગીરી શરૂ થઈ હોવા છતાં જમીન ગુમાવનારા સ્થાનિક યુવાનોને રોજગારી ન મળતી હોવાનો આક્ષેપ છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, GIDC અને GPCBની હાજરીમાં કંપની સાથે બેઠકો યોજાઈ હતી અને જમીન ગુમાવનારાઓને રોજગારી મળવી તેમનો હક હોવાનું પણ સ્વીકારાયું હતું.તેમ છતાં કોઈ નિર્ણય ન લેવાતા હવે કંપનીના ગેટ સામે ધરણાં શરૂ કરવામાં આવ્યા છે.
આંદોલનકારીઓએ ચીમકી આપી છે કે, જ્યાં સુધી જમીન ગુમાવનારા ખેડૂતોના પુત્રોને કંપનીમાં કાયમી નોકરી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.આ અંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.




