– દિવાલના કાટમાળ નીચે પાંચ મોપેડ અને બે સાયકલ દબાયા : સદ્દનસીબે કોઈ જાનહાની નહીં : ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી કરી
ભરૂચ,
ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા ન્યુ નવીનગરી વિસ્તારમાં ભારે વરસાદના પગલે એક દીવાલ અચાનક ધરાશાયી થતાં પાંચ મોપેડ અને બે સાયકલને નુકસાન પહોંચ્યું હતું.સદ્દનસીબે ઘટનાના સમયે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.તો ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદના કારણે દીવાલ નબળી પડી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. અચાનક દીવાલ ધરાશાયી થતાં તેની નીચે પાર્ક કરાયેલા પાંચ મોપેડ અને બે સાયકલ દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને ભારે નુકસાન થયું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે વરસાદી ઋતુ દરમ્યાન જર્જરિત અને જોખમી દીવાલો તેમજ ઈમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલમાં ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.




