આમોદ નગર વેપારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ૨૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

SHARE:

– ૧૩.૩૬ લાખથી વધુનો ચોખ્ખો નફો નોંધાતા સભાસદોમાં ખુશીની લાગણી, સંસ્થાની પ્રગતિને તાળીઓના ગડગડાટથી વધાવી

ભરૂચ,

આમોદ નગરની અગ્રણી સહકારી સંસ્થા આમોદ નગર વેપારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વર્ષ ૨૦૨૫-૨૬ની ૨૭મી વાર્ષિક સાધારણ સભા રવિવારે સંસ્થાના કાર્યાલય ‘વેપારી ભવન’ ખાતે યોજાઈ હતી.સભાની શરૂઆતમાં સંસ્થાના ચેરમેન સમીરભાઈ પટેલની સાધારણ સભાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભાનું સંચાલન સંસ્થાના મેનેજર ભરતભાઈ શાહે કર્યું હતું.

સભાની શરૂઆત પહેલાં વર્ષ દરમિયાન અવસાન પામેલા સંસ્થાના સભાસદોને ઉભા થઈ બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.ત્યાર બાદ ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાના અહેવાલનું વાંચન કરી સર્વાનુમતે તેને બહાલી આપવામાં આવી હતી.

સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબો અને કામગીરી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી.સંસ્થાએ વર્ષ દરમિયાન રૂ.૧૩,૩૬,૮૫૪ નો ચોખ્ખો નફો નોંધાવ્યો હોવાનું જાહેર કરવામાં આવતા ઉપસ્થિત સભાસદો અને ડિરેક્ટરોએ તાળીઓના ગડગડાટ સાથે સંસ્થાની સફળતાને વધાવી લીધી હતી.જેથી સંસ્થાની સતત પ્રગતિ અને મજબૂત આર્થિક સ્થિતિ અંગે સભાસદોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ચેરમેન સમીરભાઈ પટેલે સંસ્થાની પ્રગતિમાં સહભાગી બનેલા તમામ સભાસદો, ડિરેક્ટરો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.સંસ્થાના વાઇસ ચેરમેન મેહબૂબ પટેલે જણાવ્યું હતું કે સંસ્થાની ૧૯૯૯ માં સ્થાપના થઈ ત્યારથી સંસ્થાએ ઉતરોત્તર પ્રગતિ કરી છે ત્યારે સંસ્થા જીલ્લા કક્ષાએ નહીં પણ રાજ્ય કક્ષાએ નામના મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર વેપારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સૌથી વિશેષ બાબત એ છે કે સંસ્થાએ સ્થાપનાકાળથી આજ દિન સુધી પોતાની સ્વમૂડીના આધારે જ સભાસદોને ધિરાણ પૂરું પાડ્યું છે.સભાસદોને લોન આપવા માટે સંસ્થાએ આજ દિન સુધી કોઈ પણ બેંક કે અન્ય નાણાકીય સંસ્થા પાસેથી કરજ લીધું નથી.આ બાબત સંસ્થાની આર્થિક સધ્ધરતા,સુદૃઢ આયોજન અને વિશ્વસનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના વાઈસ ચેરમેન મેહબૂબભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર વસંતભાઈ પ્રજાપતિ, સંસ્થાના ડિરેક્ટરો, સભાસદો તથા કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!