– બેઠકમાં સંભવિત પૂર દરમિયાન ઝડપી પ્રતિસાદ, બચાવ અને રાહત કામગીરી, સંકલન તથા જરૂરી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરુ પાડતા જિલ્લા કલેક્ટર
– અનાધાર વરસાદની પ્રતિકૂળ સ્થિતિમાં પણ વહીવટીતંત્રએ કરેલી અસરકારક કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં તેમજ નર્મદા નદીના ઉપરવાસના વિસ્તારમાં પડેલા સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.નર્મદા નદી તેમજ અન્ય નદીઓમાં સંભવિત પૂરની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પૂર્વ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકાના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકમાં સંબંધિત વિભાગના વડાઓ સાથે આગમચેતીના પગલાં અને રાહત-બચાવ કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીગણને આપત્તિ વ્યવસ્થાપન અંગે ચર્ચા કરીને, વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટરે સંબંધિત તમામ તાલુકાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો તથા ચિફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓને ઈવેક્યુએશન પ્લાન અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી બાબતે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે નર્મદા નદીમાં ઉપરવાસથી પાણી છોડવાને કારણે ગોલ્ડન બ્રીજની સપાટીમાં વધારો થાય છે,નર્મદા નદીના કાંઠા વિસ્તારો અસરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા ગામોમાં પૂર્વ તૈયારી રૂપે ઈવેક્યુએશન પ્લાન તૈયાર રાખવો જોઈએ જેથી પાણીનું સ્તર વધુ વધે તો નીચાણવાળા વિસ્તારમાં વસતા નાગરિકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.
આ બેઠકમાં નર્મદા ડેમ માંથી તબક્કાવાર પાણી નદીમાં છોડવામાં આવતા ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારો, અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારો, ઝઘડીયાના નદીના કાંઠાના વિસ્તારોમાં સર્જાનાર પરિસ્થિતિ અને તે સમયનું માઈક્રો- ઈવેક્યુએશન પ્લાન સહિતના માઈક્રો – પ્લાનિંગ સહિત પ્લાન -બી ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.સાથે જ ભરૂચ જિલ્લામાં દરિયા કિનારા વિસ્તાર નર્મદા નદી, ભૂખી ખાડી, ઢાઢર, કીમ નદી વગેરેના કાંઠા વિસ્તારોમાં પણ પાણી ભરાવા સમયે સર્જાતી પરિસ્થિતિ સમયેના માઈક્રો – ઈવેક્યુએશન અને એક્સન પ્લાનની ચર્ચા કરાઈ હતી.
તા.૩૧/૦૭/૨૦૨૬ થી આજદિન સુધી પડેલ ભારે વરસાદના કારણે થયેલ નુકસાની અંગે કલેક્ટરે વિગતવાર અહેવાલ મેળવ્યો હતો.તેમણે તમામ અધિકારીઓને યુદ્ધના ધોરણે પોતાની જવાબદારીમાં આવતી કામગીરી પૂર્ણ કરવા દીશા નિર્દેશ આપ્યા હતા.
વરસાદને કારણે થયેલા માનવ મૃત્યુ, માનવ ઈજા, પશુ મૃત્યુ તેમજ કાચા-પાકા મકાનોને અંશત: કે સંપૂર્ણ થયેલ નુકસાન સામે નિયમાનુસારની નાણાકીય સહાય તાત્કાલિક અસરથી ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવા રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે સમગ્ર વિસ્તારની સઘન સાફ-સફાઈ કરાવવી, સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું તથા પાણીનું ક્લોરીનેશન કરવું, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ફોગિંગની કામગીરી હાથ ધરવાની સૂચના આરોગ્ય વિભાગને આપવામાં આવી હતી.વરસાદના કારણે બંધ પડેલા રોડ-રસ્તાઓ તાત્કાલિક ચાલુ કરાવવા તથા રોડ સાઈડ ધોવાણ થયેલ જગ્યાઓ પર પુરાણ કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગને સૂચનો કર્યા હતા.વધુમાં હુટરની મોકડ્રીલ યોજવા અને અગમચેતી સમયે સર્જાતી પરિસ્થિતિ સમયના માઈક્રો – ઈવેક્યુએશન અને એક્સન પ્લાનની ચર્ચા કરાઈ હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ પણ નર્મદા નદી, ભૂખી ખાડી, ઢાઢર, કીમ નદી વગેરે કાંઠા વિસ્તારોમાં પણ પાણી ભરાતું હોય તેવા વિસ્તારોમાં ટીડીઓએ ગ્રામસભામાં યોજી પૂરની આપત્તિ દરમ્યાન કેવા પગલાં ભરવા, સ્થળાંતર કરી શકાય તેવા વિસ્તારોમાં માહિતિ વહેલી પહોચાડવા માટે વ્હોટ્સ એપ ગૃપ એક્ટીવ કરવા, તંત્રની માર્ગદર્શિકા ફોલોઅપ કરવા સાથે શેલ્ટર હોમ,પાણી અને ભોજન, કેશ ડોલની વ્યવસ્થા વગરેની વ્યવસ્થાથી લોકોને માહિતગાર કરવા જણાવ્યું હતું.
બેઠકના અંતે કલેક્ટરે રેડ એલર્ટ સાથે અનાધાર વરસાદની પ્રતિકૂળ સ્થિતિમાં પણ વહીવટીતંત્રએ કરેલી અસરકારક કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.તે સાથે તંત્ર ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’નો અભિગમ (સુનિશ્ચિતા) દાખવીને કામગીરી કરી રહી છે.ત્યારે આવનારા સમયમાં માનવ કે પશુ કોઈને પણ નુકસાન ન પહોંચે તેવું માઈક્રો પ્લાનિંગ કરીને પોતાની ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો. (ઝીરો જાનહાનિ) સુનિશ્ચિત આ બેઠકમાં સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




