– આવેદનપત્રમાં ખેતીને થયેલ નુકસાનનું વળતર આપવા કંપનીનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તથા સરકારી જમીન પર દબાણ તથા લાયસન્સ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ કિંજલ કેમિકલ કંપની દ્વારા ગત તારીખ ૭ જુલાઈ ૨૬ ના રોજ કોઈ કારણોસર મોટાપાયે કેમિકલ જાહેરમાં છૂટ્યું હતું.જેના કારણે કંપનીની બાજુમાં આવેલા ખેતરમાં કેળ ના ઉભા પાકને ખૂબ મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું.જે બાબતને આજે એક માસ થવા આવ્યો હોય બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂતો સંજય દેસાઈ તથા અન્ય ખેડૂતો દ્વારા ઝઘડિયા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે.આવેદનપત્રમાં જણાવ્યું છે કે કિંજલ કેમિકલ કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃતિઓને કારણે ખેડૂતોને તેમજ જાહેર હિત ને ભારે નુકસાન થઈ રહ્યું છે,કંપની દ્વારા દર વર્ષે કેમિકલ વેસ્ટ યુકત પાણી ખેતરમાં છોડવામાં આવે છે,જેના કારણે ઉભા પાકને તેમજ ખેતી ની જમીનની ફળદ્રુપતાને ભારે નુકસાન થયું છે અને જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી રહી છે,ગત માસે કંપની દ્વારા કેમિકલ વેસ્ટ ખેતરમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે કેળ ના અંદાજે ૧૫૦૦ થી ૨૦૦૦ થડ ને નુકસાન થયું હતું.
આ બાબતે ઝઘડિયા મામલતદાર, જીપીસીબી કચેરી અંકલેશ્વર, નાયબ કલેકટર ઝઘડિયા, પોલીસ ઈન્સ્પેક્ટર ઝઘડિયા, તાલુકા ખેતીવાડી અધિકારી ઝઘડીયા, બાગાયત કચેરી ભરૂચ, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તથા ભરૂચ કલેકટર સમક્ષ લેખિત અરજીઓ કરી હતી.જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીસીપી દ્વારા નુકસાન અંગે હકારાત્મક અહેવાલ આપવામાં આવ્યા છતાં આજદિન સુધી કંપની દ્વારા ખેડૂતને નુકસાનીનું કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી,ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે કંપનીનો પ્લાન્ટ જે સર્વે નંબરમાં આવેલો છે તેમાંથી કરજણ કેનાલ યોજનાની અંડરગ્રાઉન્ડ લાઈન પસાર થાય છે,જેનું સંપાદન પણ થયેલ છે, જેના વળતરની રકમ પણ સરકાર દ્વારા ચૂકવાઈ ગયેલ છે,તેમ છતાં કંપનીએ કેનાલના પાઈપોને નુકસાન પહોંચાડી તોડી નાખી તેના ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું જણાય છે, જે જાહેર હિત માટે ગંભીર બાબત છે,ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કંપનીને નોટિસ આપવામાં આવશે તેમ જે તે વિભાગે જણાવ્યું હતું.ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતના પાકને અને જમીને થયેલ નુકસાનો યોગ્ય મૂલ્યાંકન કરાવી કંપની પાસેથી યોગ્ય વળતર આપવામાં આવે, કંપનીનો લાયસન્સ રિન્યુઅલ તમામ રજૂઆતો નિકાલ થાય ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવે, સરકારી જમીન તથા કરજણ કેનાલ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામના તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે,તેમજ પર્યાવરણ ખેતી અને જાહેર હિત ને નુકસાન પહોંચાડવા બદલ કંપની સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભોગ બનનાર ખેડૂતોએ કરી હતી.




