(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના ખેડૂતો દ્વારા જંબુસર યુનિયન જિન ખાતે યુરિયા ખાતરના પૂરતા જથ્થાની વ્યવસ્થા કરવા મામલે પ્રાંત અધિકારી એસ.એમ ગાંગુલીને માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાની આગેવાનીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
ખેડૂતોની રજૂઆત મુજબ જંબુસર યુનિયન જિન ખાતે યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવે છે. ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળતું નથી. સામાન્ય રીતે ખેડૂતને સાત ગુણ યુરિયા ખાતર આપવામાં આવતું હોવા છતાં હાલ તા. ૧૦/૦૮/૨૦૨૫ના રોજના વિતરણમાં માત્ર ૩ ગુણ યુરિયા ખાતર આપવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે, પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ ન થવાને કારણે ખેતીના કામમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ જો કોઈ વેપારી દ્વારા ખોટી રીતે ખાતરનો સંગ્રહ કે વિતરણ કરવામાં આવતું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સાથે જ ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆત પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.આવેદનપત્ર આપવા માટે નવીનભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, સહિત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




