ભરૂચ,
દેવોના દેવ મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના ૧૩ વર્ષ પૂર્ણ કરી ૧૪ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત નવાડેરા દત્ત મંદિર ખાતે યોજાયો હતો.કેમ્પમાં વિશેષરૂપે શ્રાવણ માસની ઋતુને ધ્યાનમાં રાખીને તાવ,શરદી અને ખાંસી જેવા ઋતુજન્ય રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવતા ૧૦૦ થી વધુ લોકોએ સ્વાસ્થ્ય લાભ લીધો હતો.આ સેવાકીય યજ્ઞમાં હોમિયોપેથી ડૉ.કેતન પટેલ,આયુર્વેદિક ડૉ.ક્રિષ્નાબેન ઈલાવિયા અને ફાર્માસિસ્ટ કંચનભાઈ પટેલે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી હતી.
આ પ્રંસગે જિલ્લા આયુર્વેદ અધિકારી આમ્રપાલીબેન પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ અને શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્રભાઈ હિન્દીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત,સદસ્યો રાજકુમાર દુબે, સુરેન્દ્ર તિવારી, પ્રજ્ઞેશ ઉપાધ્યાય અને જયેન્દ્ર ભટ્ટે જહેમત ઉઠાવી હતી.




