– પગપાળા રેલી યોજી વિવિધ માંગણીઓને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન લાઈન સહિતના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ માંથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા નીકળતા પોલીસે અટકાવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ જીલ્લા માંથી વિવિધ કંપનીઓ દ્વારા હાઈટેનશન લાઈન નાખવામાં આવી રહી છે.જેમાં આમોદ,જંબુસર, ભરૂચ,વાગરા,અંકલેશ્વર અને હાંસોટ તાલુકા માંથી આ લાઈન પસાર થઈ રહી છે. જેના પગલે અસર ગ્રસ્ત ખેડૂતો પોતાની વિવિઘ માંગો લઈને વિરોધ અને રજુઆત કરી રહ્યા છે તેમ છતાં તંત્ર કે વીજ કંપનીઓ દ્વારા નિરાકરણ નહીં લાવવામાં આવતા ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવવાની જાહેરાત કરી હતી.
ભરૂચ તાલુકાના દયાદરા ગામેથી 40 થી વધુ ટ્રેકટર, કાર અને બાઈક સાથે ખેડૂતોની રેલી ભરૂચ તરફ આગળ વધી રહી હતી.આ દરમ્યાન થામ અને મનુબર ગામ વચ્ચે પોલીસે ટ્રેક્ટર રેલીને અટકાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
ખેડૂતોએ આક્ષેપ હતો કે તેમને કંપનીની ખાનગી બસમાં બેસાડી ભરૂચ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેને ખેડૂતો સ્વીકારશે નહીં.ખેડૂતોનું કહેવું છે કે તેઓ પોતાના ટ્રેક્ટર સાથે જ ભરૂચ પહોંચી કલેક્ટરને રજૂઆત કરવા માંગે છે.પરંતુ પોલીસ દ્વારા ઠેર ઠેર માર્ગો પર અટકાવવામાં આવતા ખેડૂતો રોષમાં જોવા મળી રહ્યા હતા.
ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, બુલેટ ટ્રેન સહિતની વિવિધ વિકાસલક્ષી કામગીરી દરમિયાન ખેતરોના વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી.જેના કારણે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે.આ ઉપરાંત જમીન સંપાદન અને વળતર મામલે સરકાર દ્વારા બનાવવામાં આવેલા હાલના નિયમો અંગે પણ ખેડૂતોમાં નારાજગી છે.ખેડૂતોની માંગ છે કે હાલના નિયમોમાં ફેરફાર કરી નવા નિયમો મુજબ યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી નીકળેલી ટ્રેક્ટર રેલીને ભરૂચ શહેરથી આશરે 10 કિલોમીટર દૂર અટકાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ખેડૂતો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હાઈટેન્શન લાઈન, ખેતરોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન અને યોગ્ય વળતર સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.




