– થોડા મહિના પૂર્વે ઝઘડિયા ના ધારાસભ્ય ના હસ્તે આ રોડનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું
– રાજપારડી માધુપુરા તથા જીએમડીસી માર્ગ પર આવેલા ગામોના મતદારો પાસે ચૂંટણી સમયે હાથ જોડી મતની દક્ષિણા માંગવા આવતા નેતાઓ અત્યાર સુધી ચુપ !?
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી માધુપુરા ફાટકથી જીએમડીસી ને જોડતો માર્ગ હાલ બિસ્માર બન્યો છે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, અને કાદવ કીચડના કારણે વાહન ચલાવવું તેમજ પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા મહિના અગાઉ આ માર્ગના નવીનીકરણ માટે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા અને સ્થાનિક હોદ્દેદારોની હાજરીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.જોકે મહિનાઓ વીતી ગયા હોવા છતાં નવીનીકરણની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. આ માર્ગ પરથી આસપાસના ગામોના લોકો ઉપરાંત જીએમડીસી વિસ્તારમાં આવેલા સિલિકા પ્લાન્ટમાં આવતા-જતા માલ વાહક વાહનોની પણ અવરજવર રહે છે.આ માર્ગ પર રાજપારડીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું હોવાથી સારવાર માટે આવતા દર્દીઓ તેમના પરિવાજનો, તેમના વાહનો, એમ્બ્યુલન્સ પણ મુશ્કેલી પડી રહી છે.જવાબદાર વહીવટી તંત્રની બેદરકારી એવી છે કે માર્ગનું નવીનીકરણ તો દૂરની વાત છે હાલ પડેલા ખાડાઓ પુરવાની કામગીરી પણ દ્વારા કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
એક વાહનચાલકે તો પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ માર્ગ કરતા તો ખેતરના રસ્તા પણ સારા હોય છે.” દરમિયાન, માર્ગની બિસ્માર સ્થિતિના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં બાઈકચાલકો અને રાહદારીઓને મોટા ખાડાઓ વચ્ચેથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જોવા મળે છે. જાણવા મળતી માહિતી મુજબ ધારાસભ્ય દ્વારા જ્યાં માર્ગનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે તે કામનું ટેન્ડર શ્રીજી કન્સ્ટ્રક્શન નામની કંપનીને મળ્યું હોવાનું જાણવા મળે છે! હવે જોવું રહ્યું કે ચૂંટણી ટાણે બે હાથ જોડી રાજપારડી માધવપુરા અને આ માર્ગ પર આવેલા ગામડાના મતદારો પાસે મતની દક્ષીણા માંગવા આવતા નેતાઓ તથા નેતાઓના હુકમનું પાલન કરતાં તંત્ર દ્વારા આ માર્ગની સમસ્યાને ક્યારે ગંભીરતાથી લેવામાં આવે છે!? અને તેના નવીનીકરણની કામગીરી ક્યારે શરૂ કરાય છે!!




