(સંજય પટેલ,જંબુસર)
જંબુસર ખાતે આવેલ જે.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં એઈડ્સ (HIV/AIDS) અંગે જાગૃતિ કેળવવા માટે AIDS AWARENESS PROGRAMMEનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાહુલ જાદવ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જંબુસર, રઉફભાઈ લેબ ટેકનિશિયન તથા સતીશભાઈ પ્રોજેક્ટ મેનેજર, વિહાન NGO ઉપસ્થિત રહ્યા હતા.કોલેજના પ્રિન્સિપાલ ડૉ.કિશોર એમ.પ્રજાપતિ દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન મુખ્ય મહેમાન રાહુલ જાદવ દ્વારા વિદ્યાર્થીઓને AIDS/HIV અંગે વિસ્તૃત અને મહત્વની માહિતી આપવામાં આવી હતી.તેમણે HIV/AIDS શું છે, તેનો ફેલાવો કેવી રીતે થાય છે,તેના નિવારણના ઉપાયો તથા સમાજમાં એઇડ્સ અંગે રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓને જાગૃત રહીને આરોગ્યપ્રદ અને જવાબદાર જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સતીશભાઈ પ્રોજેક્ટ મેનેજર વિહાન NGO દ્વારા પોતાના જીવનના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યા હતા.તેમના પ્રેરણાદાયક અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને HIV/AIDS અંગે સંવેદનશીલતા, જાગૃતિ અને માનવતાભર્યા અભિગમ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.તેમજ રઉફભાઈ પટેલ,લેબ ટેકનિશિયન દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રક્ત તપાસ (Blood Testing)ની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો.
કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન ડૉ.પ્રતિકકુમાર આઈ. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.અંતે ડૉ.સોમાભાઈ ઠાકોર દ્વારા ઉપસ્થિત મહેમાનો, પ્રાધ્યાપકમિત્રો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં HIV/AIDS અંગે વૈજ્ઞાનિક સમજ, જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




