– હોલસેલ દવાના નવા પરવાના માટે ફરિયાદીએ અરજી કરતા પરવાનો મંજુર કરવા 50 હજારની માંગ કરાઈ હતી
– ફરિયાદીએ નર્મદા એસીબીનો સંપર્ક કરતા છટકુ ગોઠવતા ચેમ્બરમાં બંને અધિકારીઓ લાંચ સ્વીકારતા ઝડપાયા
ભરૂચ,
ભરૂચ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓ નર્મદા એસીબીના છટકામાં 40 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દવાના નવા પરવાના માટે ફરિયાદીએ ભરૂચ ડ્રગ્સ વિભાગમાં અરજી કરી હતી.જે અરજીના કામે ડ્રગ્સ ઈન્સ્પેકટર દ્વારા પરવાનો આપવા માટે 40 થી 50 હજારની લાંચની માંગ કરવામાં આવી હતી.જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમને નર્મદા એસીબીનો સંપર્ક કર્યો હતો.જેથી નર્મદા એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન ફરિયાદી ડ્રગ્સ વિભાગની ઓફિસમાં 40 હજાર આપવા જતા બંને આરોપીઓ આસિસ્ટન્ટ કમિશ્નર પ્રકાશ કોષનાણી અને ડ્રગ્સ ઈન્સ્પેકટર સુરભી દેસાઈ એસીબીના હાથે કચેરીમાં જ ઝડપાઈ ગયા હતા.એસીબી એ ઝડપાયેલા બંને લાંચિયા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.




