– રોડ સેફ્ટીના નિયમોના ભંગના જ ૯૯૬ કેસમાં રૂ.૧૧ લાખનો દંડ : જૂન-૨૦૨૬માં સૌથી વધુ ૩૫૫ કેસ નોંધાયા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોનું પાલન થાય અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા નિયમિત ચેકિંગ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ કામગીરી અંતર્ગત મે, જૂન અને જુલાઈ ૨૦૨૬ દરમ્યાન કુલ ૨,૮૮૩ કેસમાં કાર્યવાહી કરી રૂ. ૫૭.૦૨ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.
મે થી જુલાઈ ૨૦૨૬ દરમ્યાન ત્રણ મહિનાના માર્ગ સલામતીના નિયમોના ભંગ સામે રોડ સેફ્ટી કેટેગરી હેઠળ જ કુલ ૯૯૬ કેસ નોંધાયા છે અને રૂપિયા ૧૧ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ પૈકી મે મહિનામાં ૩૨૪ કેસ,જૂનમાં ૩૫૫ કેસ અને જુલાઈમાં ૩૧૭ કેસ નોંધાયા હતા.જૂન મહિનામાં રોડ સેફ્ટી સંબંધિત સૌથી વધુ ૩૫૫ કેસ નોંધાયા હતા.
એઆરટીઓના આંકડા મુજબ મે ૨૦૨૬માં વિવિધ પ્રકારના નિયમભંગના કુલ ૮૨૨ કેસમાં રૂ.૧૬.૯૧ લાખ, જૂન-૨૦૨૬માં ૧,૦૬૯ કેસમાં રૂ.૨૨.૦૩ લાખ અને જુલાઈ ૨૦૨૬માં ૯૯૨ કેસમાં રૂ.૧૮.૦૮ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.આમ, ત્રણ મહિનામાં કેસોની સંખ્યા અને દંડની રકમ બંનેની દૃષ્ટિએ ૧,૦૬૯ કેસ સાથે જૂન મહિનો સૌથી વધુ કાર્યવાહી ધરાવતો મહિનો રહ્યો હતો.ત્રણ મહિનામાં ફિટનેસના કુલ ૨૦૭ કેસ નોંધાયા હતા અને તેના બદલામાં રૂ.૧૦.૧૬ લાખનો દંડ વસૂલાયો હતો.ત્રણ મહિનામાં PUCના નિયમોના ભંગના કુલ ૫૭૬ કેસ નોંધાયા હતા અને રૂ. ૨.૯૮ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.જોખમી ડ્રાઈવિંગના કુલ ૮૧ કેસ નોંધાયા હતા અને રૂ. ૨.૨૨ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.તે જ રીતે હેલ્મેટના નિયમોના ભંગ બદલ ૮૦ કેસમાં રૂ. ૪૦ હજાર, જ્યારે સીટબેલ્ટના નિયમોના ભંગ બદલ ૬૦ કેસમાં રૂ. ૩૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.




