નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોની કેન્દ્રિય પ્રભારી સચિવ રવિકુમાર અરોરા દ્વારા સમીક્ષા

SHARE:

– વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર દ્વારા MPLADS અંતર્ગત નર્મદા જિલ્લામાં જનહિતલક્ષી વિકાસ કાર્યોને મળી રહેલા સહયોગની સમીક્ષા- એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને વધુ પ્રાધાન્ય આપવા ભાર મૂકતા કેન્દ્રિય પ્રભારી સચિવ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભારત સરકારના માનનીય વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર દ્વારા MPLADS અંતર્ગત નર્મદા જિલ્લાને ફાળવવામાં આવતી ગ્રાન્ટના માધ્યમથી જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી અને વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ વિકાસ કાર્યોના અસરકારક અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા માટે નર્મદા જિલ્લાના કેન્દ્રિય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાએ આજે જિલ્લા મથક રાજપીપલાની મુલાકાત લીધી હતી.

કેન્દ્રિય પ્રભારી સચિવએ MPLADS અંતર્ગત વિદેશમંત્રી દ્વારા નર્મદા જિલ્લા માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટના માધ્યમથી હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન પૂર્ણ થયેલા તેમજ પ્રગતિ હેઠળના વિકાસ કામોની સ્થિતિ, કામગીરીની ગુણવત્તા અને આગામી સમયમાં હાથ ધરાનારા પ્રસ્તાવિત કામો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી.

આ ઉપરાંત એસ્પિરેશનલ નર્મદા જિલ્લા અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલી પ્રગતિની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના વિકાસ સૂચકાંકોમાં વધુ સુધારો થાય અને વિકાસની કામગીરીનો સીધો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.આગામી સમયમાં હાથ ધરાનારા વિકાસલક્ષી આયોજન અંગે પણ પ્રભારી સચિવએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કેન્દ્રિય પ્રભારી સચિવ રવિકુમાર અરોરાએ ખાસ કરીને બાળકોના શિક્ષણ અને તેમના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ આપવા ભાર મૂક્યો હતો. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ,વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે દિશામાં પ્રાથમિકતા સાથે આયોજન કરવા તેમણે સૂચન કર્યું હતું.

સાથે જ નર્મદા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે ઉપલબ્ધ સુવિધાઓ, તેની અસરકારકતા તથા જરૂરિયાત મુજબ આરોગ્ય સેવાઓના વધુ સશક્તિકરણ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.છેવાડાના અને વંચિત વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને તે માટે જરૂરી આયોજન અને સંકલિત પ્રયાસો અંગે પણ ભાર મૂકાયો હતો.

નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લા તરીકે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યો છે ત્યારે MPLADS અંતર્ગત મળતા સંસદીય સહયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંકલિત પ્રયાસોના માધ્યમથી જનસુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં કામગીરીને ગતિ આપવામાં આવી રહી છે.શિક્ષણ, આરોગ્ય સહિત નાગરિકલક્ષી પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવી નર્મદા જિલ્લાના સર્વાંગી અને ટકાઉ વિકાસને વેગ આપવાનો અભિગમ આ સમીક્ષા બેઠકમાં પ્રાધાન્યપૂર્વક સામે આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા આયોજન અધિકારી આઈ.જી.પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!