– ધંધામાં દેવું થઈ જતા આરોપીએ જે વેપારી પાસેથી સામાન ખરીદતો હતો તેની દુકાનમાં જ ચોરી કરવાનો પ્લાન બનાવી
ચોરીને અંજામ આપ્યો !
– આરોપી પાસેથી ૧૨,૫૪,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરના ચાર રસ્તા નજીક આવેલ પીયૂષ જનરલ સ્ટોર્સ નામની બીડી સિગારેટ અને પાન પડીકીની જથ્થાબંધ દુકાનમાંથી થયેલી રૂપિયા ૧૭ લાખની રોકડ રકમની સનસનાટીભરી ઘરફોડ ચોરીનો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલી રોકડ રકમ, ગુનામાં વપરાયેલી મોટરસાઈકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૨,૫૪,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપારડી નગરના ચાર રસ્તા વિસ્તારમાં આવેલ પીયૂષ જનરલ સ્ટોર નામની દુકાન માંથી તા.૯ મીના રોજ સવારના સમયે કોઈ અજાણ્યા ઈસમે શટર ખોલીને રોકડા રૂપિયા ૧૭,૦૦,૦૦૦ ભરેલ બેગની ચોરી કરી હતી.આ અંગે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.રાજપારડી ખાતે થયેલ રૂપિયા ૧૭ લાખની રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલવા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના વેલુગામનો મોહંમદ ઈર્સાદખાન દિલાવર મલેક નામનો ઈસમ બાઈક પર બેગ લટકાવીને રાજપારડી ચાર રસ્તા પાસે ફરી રહ્યો છે અને રાજપારડીની ચોરીમાં તેની સંડોવણી હોવાની શંકા છે. એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે તાત્કાલિક ટ્રેપ ગોઠવીને શંકાસ્પદ ઈસમની અટકાયત કરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ચોરીની કબૂલાત કરી હતી.તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સદર ઈસમ ઉમલ્લા વિસ્તારના વેલુગામ ખાતે ‘એકતા પ્રોવિઝન સ્ટોર’ ના નામથી દુકાન ચલાવે છે.ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેના પર દેવું થઈ ગયું હતું અને તેની ઈકો ગાડીના હપ્તા પણ ચડી ગયા હતા. આ દેવા માંથી બહાર નીકળવા માટે તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો.આરોપી છેલ્લા ૬ વર્ષથી રાજપારડીના પીયૂષ જનરલ સ્ટોર પરથી જ પોતાની દુકાન માટે માલસામાન ખરીદતો હતો, અને તેને ખબર હતી કે પીયૂષ જનરલ સ્ટોરમાં સવારના સમયે હિસાબના ઘણા પૈસા પડ્યા હોય છે.જેથી તેણે વહેલી સવારે ઓળખાઈ ન જવાય તે માટે શરીરે રેઇનકોટ, હાથમાં મોજા અને મોં પર રૂમાલ બાંધીને ચોરીને અંજામ આપ્યો હતો.ચોરી કર્યા બાદ તે વાલિયા, ઝઘડિયા અને રાજપારડીના વિસ્તારોમાં રખડતો રહ્યો હતો. વાલિયાથી નવી બેગ ખરીદી ચોરીના કાળા બેગ માંથી પૈસા નવી બેગમાં શિફ્ટ કરી દીધા હતા અને જૂનું બેગ,રેઈનકોટ તથા મોજા ધારોલી-પડવાણીયા રોડ પર બાવળની ઝાડીઓમાં ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે ઝડપાયેલ આરોપી પાસેથી રોકડ રકમ રૂપિયા ૧૨,૩૧,૯૦૦,એક મોટરસાઈકલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ તેમજ મોબાઈલ ફોન નંગ-૧ – કિંમત રૂપિયા ૩,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૨,૫૪,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને ઝડપાયેલ આરોપીને આગળની તપાસ માટે રાજપારડી પોલીસને સોંપ્યો હતો.




