ભરૂચ,
ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત પોણા પાંચ કરોડ થી વધુના ખર્ચે જ્યોતિનગર પાસે નિર્માણ પામેલ ભરૂચ જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશનના લોકાર્પણ ભરૂચના ઘારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જ્યોતિનગર પાણીની ટાંકી પાસે પોણા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લાકક્ષાના અદ્યતન ‘મોડલ ફાયર સ્ટેશન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.વિશાળ જગ્યામાં તૈયાર કરાયેલા આ મોડલ ફાયર સ્ટેશનમાં એકસાથે સાત જેટલા મોટા ફાયર ટેન્ડર તથા અન્ય ફાયર વાહનોના પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત ફાયર બ્રિગેડના કર્મચારીઓને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા પરિસરમાં જ 21 જેટલા આવાસોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ શહેર ઉપરાંત સમગ્ર જિલ્લામાં આગ સહિતની વિવિધ આપત્તિ સમયે અસરકારક કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને અત્યાધુનિક સાધનો, ક્રેન સહિતની સુવિધાઓ તેમજ કર્મચારીઓને જરૂરી તાલીમ આપવામાં આવી છે.નવા ફાયર સ્ટેશનના કારણે ભરૂચ શહેર ઉપરાંત ઝાડેશ્વર,ભોલાવ, તવરા સહિતના આસપાસના વિસ્તારોમાં તેમજ હાઈરાઈઝ ઈમારતો અને ઔદ્યોગિક વિસ્તારોમાં આગ જેવી દુર્ઘટના સર્જાય ત્યારે વધુ ઝડપથી બચાવ અને રાહત કામગીરી હાથધરી શકાશે.
લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા,ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ,ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ફાયર અધિકારી ચિરાગ ગઢવી સહિતના પાલિકાના સદસ્યો અને ફાયરની ટીમની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
જીવના જોખમે ફરજ બજાવતા અગ્નિશામક દળના જવાનોને તેમની સેવાઓ બિરદાવવામાં આવી હતી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.



