દહેજમાં પેટ્રોલ પંપ પર જણીયાદરા ગામના સરપંચે તલવાર બતાવી આતંક મચાવતા પોલીસ ફરિયાદ

SHARE:

– મહિલા કર્મચારી સાથે વિવાદ બાદ કાર ચઢાવવાનો પ્રયાસ કરાતા સરપંચ ઈન્દરવર્ધનસિંહ રાણા સામે દહેજ પોલીસ મથકે ગુનો દાખલ

ભરૂચ,

દહેજ પંથકમાં જણીયાદરા ગામના સરપંચ દ્વારા પેટ્રોલ પંપ પર ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેટ્રોલ પંપ પર સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ સરપંચે મહિલા કર્મચારી સહિત અન્ય સ્ટાફને ધમકાવી વાતાવરણ તંગ બનાવી દીધું હતું. આ સમગ્ર ઘટનાના દૃશ્યો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથકના જણીયાદરા ગામના સરપંચ ઈન્દરવર્ધનસિંહ પ્રવિણસિંહ રાણા (ઉર્ફે અલ્પેશ) પોતાની કારમાં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર આવ્યા હતા.આ દરમ્યાન પંપ પર ફરજ બજાવતી મહિલા કર્મચારીએ તેમને પંપના અન્ય પોઈન્ટ પર કાર લઈ જવા માટે જણાવ્યું હતું.આ સામાન્ય સૂચન બાદ અહમ ઘવાતાં સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.જે બાદ વિવાદ વધતા સરપંચ પોતાની કાર માંથી તલવાર કાઢી લાવ્યા હતા અને ખુલ્લી તલવાર સાથે મહિલા કર્મચારી તરફ ધસી જઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.બૂમાબૂમ થતાં પેટ્રોલ પંપના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા.દરમ્યાન કર્મચારીઓએ પોલીસને જાણ કરવાની વાત કરતાં સરપંચે રોષે ભરાઈને કર્મચારીઓ પર કાર ચઢાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો.આ ઘટનાને પગલે પંપના કર્મચારીઓમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.આ સમગ્ર મામલે સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથધરી હતી.

દહેજ પોલીસ મથકમાં સરપંચ વિરુદ્ધ રાત્રે જ કાયદેસરનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે.જેમાં આરોપી સરપંચ સામે ઝપાઝપી કરવી,ગાળાગાળી કરવી,જાનથી મારી નાખવાની ધમકી આપવી,વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કરવો તેમજ હથિયાર (તલવાર) રાખવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીને નોટિસ પાઠવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય વગ ધરાવતા લોકોએ બેફામ બની રહ્યા છે અને હથિયારો પોતાના વાહનોમાં લઈ ફરતા હોય છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવતા નાઈટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.જેને લઈને અસામાજીક તત્ત્વો ને છૂટો દૌર મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પોલીસે નાઈટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કડક કરવાની જરૂરિયાત ઉભી થઈ છે જેથી અસામાજીક તત્ત્વોમાં પોલીસનો ડર રહે અને લોકો સુરક્ષિત અનુભવ કરી શકે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!